ના ચબુતરો, ના ચણ ખપે,સુરખાબને બસ, રણ ખપે.
અંગ્રેજીમાં ફ્લેમિંગો નામથી પ્રખ્યાત પક્ષી
ગુજરાતમાં સુરખાબ તરીકે પ્રસિદ્ધ છે. સુરખાબ એ સમૂહમાં જોવા મળતું પક્ષી છે.
ગુજરાતનાં રાજ્યપક્ષી તરીકે જાણીતું પક્ષી ફ્લેમિંગો લાખોની સંખ્યામાં પરદેશથી આવે
છે. ફ્લેમિંગો માટે દક્ષિણ એશિયાની આ એકમાત્ર બ્રિડિંગ સાઈટ હોવાથી તેણે ફ્લેમિંગો
સિટી કે સુરખાબ નગરી કહેવામાં આવે છે. કચ્છમાં સારો વરસાદ પડે તે વર્ષે ફ્લેમિંગો
અહીં અચૂક આવે છે.
આ પક્ષી પોતાનાં ચારણ
પ્રક્રિયાથી ખોરાક મેળવવાની વિશિષ્ટ પદ્ધતિ ધરાવે છે. આ માટે તે પોતાની લાંબી
ડોકને કિચડમાં નાખી નીચેની બાજુ ઉંધી વાળીને પાણીની સપાટી પરથી નાની વનસ્પતિ અને
જીવાતો પ્રાપ્ત કરે છે.
કચ્છનાં મોટા રણમાં
દરિયાનું પાણી ભરાય છે. આ સાથોસાથ જે વર્ષે અહીં સારો વરસાદ પડે ત્યારે મીઠું અને ખારું
પાણી એકત્ર થતાં તેમાં પ્લેંક્ટોન નામની જીવાત અને લીલની પેદાશ ખૂબ વધુ થાય છે; જેમનો ઉપયોગ
સુરખાબ વધુ કરે છે. આ પાણીમાં ખારાશનું પ્રમાણ થોડીક માત્રામાં હોવું અનિવાર્ય છે.
આવી સ્થિતિ દર દસ વર્ષે ૩થી ૪ વખત સર્જાય છે.
આ સિવાય સુરખાબ અત્યંત
શરમાળ પક્ષી ગણાતું હોવાથી તે જમીન પર માળો બનાવે છે. તેમની સલામતી માટે કોઈની
અવરજવર ન હોય તેવો વિસ્તાર એટલે કે રણ વિસ્તાર વધુ સાનુકૂળ રહે છે.
આ પક્ષીની લંબાઈ આશરે ૧૪૦
સે.મી. જેટલી હોય છે અને 2થી 3 કિ.ગ્રા. જેટલો
વજન હોય છે. માદા સુરખાબ 1 કે 2 ઈંડા મૂકે છે, જે નર અને માદા
સાથે મળી ૨૮થી 30 દિવસ સુધી સેવે
છે. એશિયા, આફ્રિકા અને
યુરોપનાં મોટાં ભાગનાં દેશોમાં આ પક્ષીઓનો ફેલાવો જોવા મળે છે.
સૌજન્ય : gujaratsamachar