Republic Day - 2019

Showing posts with label પક્ષી પરિચય. Show all posts
Showing posts with label પક્ષી પરિચય. Show all posts

25 May 2020

Whitetailed Lapwing


Whitetailed Lapwing (શ્વેતપૂંછ ટિટોડી)


ટિટોડીને મોટા ભાગના લોકો ઓળખે. બહુ બોલકણું પંખી. “કરતી’તી વ્રત, કરતી’તી વ્રત” એમ તીણા સવારે વારંવાર તે બોલ્યા કરતી હોવાથી બધાનું ધ્યાન ખેંચે. પણ  શ્વેતપૂંછ ટિટોડીનું તેવું નથી.
રાતાપગ, લીલાપગ કે જુદી જુદી તુતવારીઓ જેવાં કાદવમાં ફરનારા પંખીઓનાં સાથમાં અનુકૂળ જળાશયોમાં તે થોડી થોડી જોવા મળી જાય. એકલદોકલ કે પાંચ સાત છૂટીછવાઈ જોવા મળે છે. નાનાં કે મોટાં તેનાં ટોળાં જોવા નથી મળતા. પાણી નજીકની ભીની જમીનમાં આ શાંત પંખી ફરતું હોય. રીતભાત ટિટોડીના જેવી. બે ચાર ડગલાં ઝડપથી ચાલી ડોક લંબાવીને નીચેથી જીવાત વીણી લે.
નામ પ્રમાણે તેની આખી પૂંછડી સફેદ. કપાળ, આંખ આસપાસના ભાગ અને દાઢી રાખોડી સફેદ. માથું, ડોક અને ઉપરનો ભાગ સહેજ ગુલાબી લાગતો બદામી. ગળું આછું રાખોડી. બાકીનું પેટાળ ધોળું. ઉડે ત્યારે છેડેથી અડધે સુધીની પાંખ કાળી અને બાકીની સફેદ. ચાંચ કાળી, પગ પીળા. નર-માદા દેખાવે સરખાં. એકંદરે દેખાવમાં આપણી વગડાઉ ટિટોડીને મળતી આવે. ફરક એટલો કે આનું માથું કાળું નથી.તેમજ ચાંચ પાસે ખુલ્લી પીળી ચામડી પણ તેને નથી.
પશ્ચિમ એશિયા, ઈરાન તથા કાસ્પિયન સમુદ્ર તરફથી ચોમાસા બાદ ભારતમાં આવવા માંડે. વસંત ઋતુ આવતાં માળા કરવા પોતાના વતન ઉપડી જાય.   
માહિતી સાભાર : લાલસિંહ રાઓલ 

Blackheaded Bunting

Blackheaded Bunting (શ્યામશીર ગંદમ)


કાળા મથાળા ગંદમોની ટોળી કોઈ નાનાં ઝાડ ઉપર બેસે ત્યારે તેમનાં પીળા રંગથી તેને રંગી દીધું હોય તેવું આકર્ષક લાગે. થોડીવાર ઝાડ ઉપર બેસી, પીંછાં સમાનમા કરી, તરત બાજુના ખેતરમાં પાક ઉપર જાફત માટે ઉતરી પાડે. રખોપું કરતો ખેડૂત મોટેથી હોકારા-પડકારા કરી તેમને ગભરાવી ઉડાડી મુકવા માટે બહુ મહેનત કરે, પણ આ ગંદમ  તેને બહુ ગાંઠતા નથી. ગોફણમાંથી પથરો આવે એટલે ઉડીને થોડે છેટેના ઝાડ ઉપર જતાં રહે. ત્યાં બેઠાં ન બેઠાં ને ફરી પાછાં પાક ઉપર. દિવસભર આવું ચાલ્યા કરે. આમ તેઓ ખેડૂતને બહુ પજવે.
નર: માથું, કર્ણપ્રદેશ અને ગાલ કાળાં. પીઠ અને કેડ બદામી. પાંખમાં બે મેલી ધોળી રેખાઓ. પેટાળ પીળું પણ પડખામાં બદામી રંગની ઝલક.
માદા: ઉપર પીળી ઝલક્વાળી બદામી અને ઘેરી રેખાઓ. પેટાળ મેલું ધોળું અને તેમાં અહીં તહીં આછો પીળાશ પડતો ઝાંખો રંગ. પેડું પીળું. બંનેમાં પગ બદામી, ચાંચ શિંગડીયા બદામી રંગની.
ઈરાન, પશ્ચિમ એશિયા, કોકેસસ, દક્ષિણ રશિયા અને બાલ્કન પ્રદેશ તેનું વતન. શિયાળામાં અહીં આવે અને વસંત આવતાં ચાલ્યા જાય. ખેતરાઉ પ્રદેશમાં વસનાર.
શિયાળું મુલાકાતી. વ્યાપક.
માહિતી સાભાર : લાલસિંહ રાઓલ 

24 April 2020

પાન ફડકફૂત્કી


Plain prinia/Plain wren-warbler (પાન ફડકફૂત્કી):

ઉપરના ભાગે રેતીયો બદામી રંગ. આંખ અને ચાંચ વચ્ચેનો ભાગ, નેણ અને કર્ણ પ્રદેશ આછાં પીળચટા. પેટાળ પીળચટુ. પૂંછડી લાંબી અને ચડઉતર પીંછાંવાળી. પાતળિયા શરીરવાળું નાજુક પંખી. નર-માદા સરખાં.
કાંટાળા છોડઝાંખરાં, ઘાસ, ખેતરોમાં ઊગેલો મોલ અને અન્ય નાની વનસ્પતિવાળા સ્થળોએ બે-પાંચની સંખ્યામાં ફરતી હોય.
ચોમાસામાં જુનથી ઓક્ટોબર દરમ્યાન પ્રજનન કરે. છોડ ઝાંખરાં કે જુવાર, બાજરીના ખેતરોમાં ઘાસથી અંડાકાર માળા બનાવે.
સ્થાયી નિવાસી. વ્યાપક.
 માહિતી સાભાર : લાલસિંહ રાઓલ 

16 April 2020

મોટું લેલું


Large Grey Babbler : મોટું લેલું 

આપણા ખૂબ વ્યાપક પંખીઓમાં લેલાનું સ્થાન આવે. લેલાનાં કુળની એક ખાસિયત એ કે તે હંમેશા સમુહમાં હરેફરે.પાંચ-સાતથી દાસ-બારના જૂથમાં દેખાય. આને લીધે હિન્દીમાં તેને સાતભાઈ/સાતબેન એવું નામ મળ્યું છે. બીજી તેની વિશેષતા છે બોલબોલ કરવાની. પાંચ મિનીટ સાવ મૂંગું રહે એવું ઓછું બને. તેં.....તેં.....તેં... કે લે...લે.....લે...એમ બોલ્યા કરે. એકી સાથે પાંચ-સાત કે વધારે બોલવા માંડે એટલે સાંભળનાર કંટાળી જાય. ફળ, બીજ અને જીવાત તેમનો ખોરાક. તે માટે વાડ, ઝાંખરા અને જમીન ઉપર ચકલીની જેમ બંને પગ ઠેકતાં ફરે. ખરી પડેલ પાંદડાં અને ઘાસ વગેરેનો જમીન ઉપર પડેલ કચરો ઉથલાવીને જીવડાં શોધે. ચરતાં-ફરતાં એકબીજાના સંપર્કમાં રહેવા માટે ધીમે ધીમે બોલતાં રહે. કાબરની માફક લેલાં પણ પક્ષીજગતના ચોકીદાર છે. સાપ, નોળિયો, બિલાડી કે શિકારી પંખી, કોઈ એકાદ નજરે ચડ્યું એટલે ખલાસ. તરત તેં....તેં....તેં  કરીને બીજાં બધાને ચેતવે. પછી સાથે મળી એવો દેકારો મચાવે કે પેલાએ મેદાન છોડી ભાગી નીકળવું પડે કે સંતાઈ જવું પડે. સંપીલા બહુ. એક ઉપર હુમલો થાય એટલે આખું ટોળું હુમલાખોર ઉપર તૂટી પડે.  એમાં પોતાના જાનની પણ પરવા ન કરે.
ઊડવામાં નબળા. પાંખો ટૂંકી. તે ઝડપભેર વીંઝીને ઉડે. થોડીવાર પાંખ બંધ કરી હવામાં તરતાં જાય. વાળી પાંખ વીંઝે. આવી તેની ઉડવાની રીત. શક્ય હોય ત્યાં સુધી ચાલીને ભાગી નીકળવાનું પસંદ કરે. નાછૂટકે ઉડે અને તેય લંબે સુધી નહિ. થોડું ઉડી ઝાડ, છોડ કે જમીન ઉપર બેસી જાય. ચારાની શોધમાં ઝાડી ઝાંખરામાં ફરતાં રહે. એક ઝાડથી બીજે ઝાડ જાય ત્યારે જુથમાં સાથે ન ઉડે. એકની પાછળ બીજું એમ ઉડીને સ્થાનફેર કરે. લેલામાં નર માદા સરખાં. ઉપરના ભાગે રાખોડી ઝાંયવાળો મેલો બદામી રંગ. ચાંચ ઉપર કપાળનો ભાગ રાખોડી. લેલાને ઓળખવાની આ અગત્યની નિશાની છે. પેટાળ પીળાશ પડતું.  ગળા અને છાતી ઉપર ગુલાબીની સહેજ અસર. પૂંછડી થોડી લાંબી અને ઢીલી. આંખ પીળી. પગ પીળાશ પડતા. પૂંછડીની બંને તરફના છેડેના પીંછાં મેલા ધોળાં. ઉડે ત્યારે તે દેખાય.
માહિતી સાભાર : લાલસિંહ રાઓલ 

08 April 2020

પચનક લટોરો

Bay-backed shrike : પચનક લટોરો
 
બે બેક્ડ શ્રાઈક (Bay-backed shrike) લટોરાઓમાં સૌથી નાનું, બુલબુલ જેવડું પક્ષી છે. છેડેથી આંકડાવાળી કાળી ચાંચ, રાખોડી-રૂપેરી માથું, કપાળથી આંખો સુધી અને પાછળ જતો પહોળો કાળો પટ્ટો, લાલાશ પડતી છીંકણી રંગની પીઠ વગેરે ખાસ નિશાનીઓ છે. પેટાળ સફેદ હોય છે. પૂંછ સફેદ-કાળા રંગની ચડ ઊતર પીંછા વાળી હોય છે. કેડ સફેદ હોય છે. વન વગડા બાવળનાં જંગલોમાં રહે છે. પાકિસ્તાન અને ભારતભરમાં રહે છે. ઇશાન ભારતમાં ભાગ્યેજ દેખા દે છે. બંગલાદેશ, મ્યાનમાર અને શ્રીલંકામાં પણ વસતા નથી. ગાઢ જંગલો અને રણ પ્રદેશથી દૂર રહે છે. નર-માદા દેખાવે સરખાં હોય છે. ડાળી કે વાડ ઉપર એકલું પક્ષી બેસેલું જોવામાં આવે છે.
મીઠા અવાજે સંગીત પીરસે છે. બીજા પક્ષીઓનાં અવાજની નકલ પણ કરે છે. વિજય ગુપ્ત મૌર્ય લખે છે કે, ‘પચનક લટોરાનાં પાંચ રંગની સજાવટ તમે નજરે જાુઓ, તેની ઘાંટીલી નાની કાયા જાુઓ અને તેની સોહામણી રીતભાત અને લટુડા પટુડા કરતી મીઠી બોલી સાંભળો તો તમને એ પંખી પાળવાનું મન થઇ જાય એવું લોભામણું છે.’
પ્રજનનકાળ એપ્રિલથી સપ્ટેમ્બર (ખાસ જૂન-જુલાઈ) છે. ઘાસ, રૂ, પીંછા વગેરેનો પ્યાલા જેવો માળો બનાવી તેમાં દૂધિયા લટોરા જેવાં પણ કદમાં નાના ઇંડા મૂકે છે.
માહિતી સાભાર  -ડૉ. અશોક એસ. કોઠારી

03 April 2020

બદામી માખીમાર


Asian Brown Flycatcher : બદામી માખીમાર 

આ માખીમાર દેખાવે સાવ સાદો. સહેજ રાખોડી ઝલકવાળો બદામી રંગ તેનાં ઉપરના શરીરનો છે. આંખ ફરતું ધોળું વલય. ગળું ધોળું. બાકીનું પેટાળ મેલું ધોળું કે આછું બદામી. નર-માદા સરખાં. ઝાડની નીચલી ડાળીઓમાં બેઠો હોય ત્યારે સફેદ ગળાથી નજરે ચડે. બાકી તેની હાજરીનો ખ્યાલ એકદમ ન આવે.
આપણા બધા માંખીમારોમાં તે બહુ ઓછો આવે છે. કચ્છ-સૌરાષ્ટ્રમાં કવચિત દેખાય. તેનું મુખ્ય વતન પૂર્વ સાઈબીરીયા. ભારતમાં પશ્ચિમ હિમાલય, મધ્ય પ્રદેશમાં વિંધ્યાચલનો થોડો વિસ્તાર તથા પશ્ચિમ ઘાટનો થોડોક ભાગ એ તેનાં વતન ગણાય.
સ્થાયી નીવાસીનો સંદર્ભ નથી. અવ્યાપક.  
માહિતી સાભાર : લાલસિંહ રાઓલ