Large Grey Babbler : મોટું લેલું
આપણા ખૂબ વ્યાપક પંખીઓમાં લેલાનું સ્થાન આવે. લેલાનાં કુળની
એક ખાસિયત એ કે તે હંમેશા સમુહમાં હરેફરે.પાંચ-સાતથી દાસ-બારના જૂથમાં દેખાય. આને
લીધે હિન્દીમાં તેને સાતભાઈ/સાતબેન એવું નામ મળ્યું છે. બીજી તેની વિશેષતા છે
બોલબોલ કરવાની. પાંચ મિનીટ સાવ મૂંગું રહે એવું ઓછું બને. તેં.....તેં.....તેં...
કે લે...લે.....લે...એમ બોલ્યા કરે. એકી સાથે પાંચ-સાત કે વધારે બોલવા માંડે એટલે
સાંભળનાર કંટાળી જાય. ફળ, બીજ અને જીવાત તેમનો ખોરાક. તે માટે વાડ, ઝાંખરા અને
જમીન ઉપર ચકલીની જેમ બંને પગ ઠેકતાં ફરે. ખરી પડેલ પાંદડાં અને ઘાસ વગેરેનો જમીન
ઉપર પડેલ કચરો ઉથલાવીને જીવડાં શોધે. ચરતાં-ફરતાં એકબીજાના સંપર્કમાં રહેવા માટે
ધીમે ધીમે બોલતાં રહે. કાબરની માફક લેલાં પણ પક્ષીજગતના ચોકીદાર છે. સાપ, નોળિયો,
બિલાડી કે શિકારી પંખી, કોઈ એકાદ નજરે ચડ્યું એટલે ખલાસ. તરત
તેં....તેં....તેં કરીને બીજાં બધાને
ચેતવે. પછી સાથે મળી એવો દેકારો મચાવે કે પેલાએ મેદાન છોડી ભાગી નીકળવું પડે કે
સંતાઈ જવું પડે. સંપીલા બહુ. એક ઉપર હુમલો થાય એટલે આખું ટોળું હુમલાખોર ઉપર તૂટી
પડે. એમાં પોતાના જાનની પણ પરવા ન કરે.
ઊડવામાં નબળા. પાંખો ટૂંકી. તે ઝડપભેર વીંઝીને ઉડે. થોડીવાર
પાંખ બંધ કરી હવામાં તરતાં જાય. વાળી પાંખ વીંઝે. આવી તેની ઉડવાની રીત. શક્ય હોય
ત્યાં સુધી ચાલીને ભાગી નીકળવાનું પસંદ કરે. નાછૂટકે ઉડે અને તેય લંબે સુધી નહિ.
થોડું ઉડી ઝાડ, છોડ કે જમીન ઉપર બેસી જાય. ચારાની શોધમાં ઝાડી ઝાંખરામાં ફરતાં
રહે. એક ઝાડથી બીજે ઝાડ જાય ત્યારે જુથમાં સાથે ન ઉડે. એકની પાછળ બીજું એમ ઉડીને
સ્થાનફેર કરે. લેલામાં નર માદા સરખાં. ઉપરના ભાગે રાખોડી ઝાંયવાળો મેલો બદામી રંગ.
ચાંચ ઉપર કપાળનો ભાગ રાખોડી. લેલાને ઓળખવાની આ અગત્યની નિશાની છે. પેટાળ પીળાશ પડતું. ગળા અને છાતી ઉપર ગુલાબીની સહેજ અસર. પૂંછડી
થોડી લાંબી અને ઢીલી. આંખ પીળી. પગ પીળાશ પડતા. પૂંછડીની બંને તરફના છેડેના પીંછાં
મેલા ધોળાં. ઉડે ત્યારે તે દેખાય.
માહિતી સાભાર : લાલસિંહ રાઓલ