Blackheaded Bunting (શ્યામશીર ગંદમ)
કાળા મથાળા ગંદમોની ટોળી કોઈ નાનાં ઝાડ ઉપર બેસે ત્યારે
તેમનાં પીળા રંગથી તેને રંગી દીધું હોય તેવું આકર્ષક લાગે. થોડીવાર ઝાડ ઉપર બેસી,
પીંછાં સમાનમા કરી, તરત બાજુના ખેતરમાં પાક ઉપર જાફત માટે ઉતરી પાડે. રખોપું કરતો
ખેડૂત મોટેથી હોકારા-પડકારા કરી તેમને ગભરાવી ઉડાડી મુકવા માટે બહુ મહેનત કરે, પણ
આ ગંદમ તેને બહુ ગાંઠતા નથી. ગોફણમાંથી
પથરો આવે એટલે ઉડીને થોડે છેટેના ઝાડ ઉપર જતાં રહે. ત્યાં બેઠાં ન બેઠાં ને ફરી
પાછાં પાક ઉપર. દિવસભર આવું ચાલ્યા કરે. આમ તેઓ ખેડૂતને બહુ પજવે.
નર: માથું, કર્ણપ્રદેશ અને ગાલ કાળાં. પીઠ અને કેડ બદામી. પાંખમાં
બે મેલી ધોળી રેખાઓ. પેટાળ પીળું પણ પડખામાં બદામી રંગની ઝલક.
માદા: ઉપર પીળી ઝલક્વાળી બદામી અને ઘેરી રેખાઓ. પેટાળ મેલું
ધોળું અને તેમાં અહીં તહીં આછો પીળાશ પડતો ઝાંખો રંગ. પેડું પીળું. બંનેમાં પગ
બદામી, ચાંચ શિંગડીયા બદામી રંગની.
ઈરાન, પશ્ચિમ એશિયા, કોકેસસ, દક્ષિણ રશિયા અને બાલ્કન
પ્રદેશ તેનું વતન. શિયાળામાં અહીં આવે અને વસંત આવતાં ચાલ્યા જાય. ખેતરાઉ
પ્રદેશમાં વસનાર.
શિયાળું મુલાકાતી. વ્યાપક.
માહિતી સાભાર : લાલસિંહ રાઓલ