Whitetailed Lapwing (શ્વેતપૂંછ ટિટોડી)
ટિટોડીને મોટા ભાગના લોકો ઓળખે. બહુ બોલકણું પંખી. “કરતી’તી
વ્રત, કરતી’તી વ્રત” એમ તીણા સવારે વારંવાર તે બોલ્યા કરતી હોવાથી બધાનું ધ્યાન
ખેંચે. પણ શ્વેતપૂંછ ટિટોડીનું તેવું નથી.
રાતાપગ, લીલાપગ કે જુદી જુદી તુતવારીઓ જેવાં કાદવમાં ફરનારા
પંખીઓનાં સાથમાં અનુકૂળ જળાશયોમાં તે થોડી થોડી જોવા મળી જાય. એકલદોકલ કે પાંચ સાત
છૂટીછવાઈ જોવા મળે છે. નાનાં કે મોટાં તેનાં ટોળાં જોવા નથી મળતા. પાણી નજીકની
ભીની જમીનમાં આ શાંત પંખી ફરતું હોય. રીતભાત ટિટોડીના જેવી. બે ચાર ડગલાં ઝડપથી
ચાલી ડોક લંબાવીને નીચેથી જીવાત વીણી લે.
નામ પ્રમાણે તેની આખી પૂંછડી સફેદ. કપાળ, આંખ આસપાસના ભાગ
અને દાઢી રાખોડી સફેદ. માથું, ડોક અને ઉપરનો ભાગ સહેજ ગુલાબી લાગતો બદામી. ગળું
આછું રાખોડી. બાકીનું પેટાળ ધોળું. ઉડે ત્યારે છેડેથી અડધે સુધીની પાંખ કાળી અને
બાકીની સફેદ. ચાંચ કાળી, પગ પીળા. નર-માદા દેખાવે સરખાં. એકંદરે દેખાવમાં આપણી
વગડાઉ ટિટોડીને મળતી આવે. ફરક એટલો કે આનું માથું કાળું નથી.તેમજ ચાંચ પાસે ખુલ્લી
પીળી ચામડી પણ તેને નથી.
પશ્ચિમ એશિયા, ઈરાન તથા કાસ્પિયન સમુદ્ર તરફથી ચોમાસા બાદ
ભારતમાં આવવા માંડે. વસંત ઋતુ આવતાં માળા કરવા પોતાના વતન ઉપડી જાય.
માહિતી સાભાર : લાલસિંહ રાઓલ