Republic Day - 2019

25 December 2018

ભારતના વિશ્વધરોહર સ્થળો : રાણકી વાવ




રાણકી વાવ અથવા રાણી કી વાવ ગુજરાત રાજ્યના પાટણ જિલ્લાનાં પાટણ શહેરમાં આવેલી એક ઐતિહાસિક વાવ છે. આ વાવ પાટણ શહેરનું એક જોવાલાયક સ્થળ છે જેની દેશ-વિદેશના હજારો પર્યટકો મુલાકાત લે છે.
અણહિલવાડ પાટણના સોલંકી વંશના સ્થાપક મૂળરાજ સોલંકીના પુત્ર ભીમદેવ પહેલાની રાણી ઉદયમતીએ ૧૧મી સદીના અંતિમ ચતુર્થાંશમાં પ્રજા માટે પાણીની વ્યવસ્થા ઉભી કરવા વાવનું નિર્માણ કરાવ્યું હતું.

સદીઓ અગાઉ સરસ્વતી નદીમાં આવેલા પૂર અને અન્ય ઘટનાક્રમથી આ વાવ જમીનમાં દટાઈ ગઈ હતી જેથી ધરતી તળે દબાયેલી આ વાવ પર કોઈની નજર પહોંચી શકી ન હતી. પરંતુ, ર૦મી સદી સુધી લોકોથી અલિપ્ત રહેલી આ વાવને મૂળ સ્વરૂપમાં લાવવા ભારતીય પુરાતત્વ વિભાગે ઇ.સ. ૧૯૬૮માં વાવમાં ભરાયેલી માટીને બહાર કાઢવા ઉત્ખનન કાર્યવાહી આરંભતા ઘણા વર્ષો બાદ વાવ તેના મૂળ સ્વરૂપમાં આવી હતી.

રાણકી વાવનું મુખ પૂર્વ તરફ ખુલે છે. રાણકી વાવ ૬૪ મીટર લાંબી, ૨૦ મીટર પહોળી અને ૨૭ મીટર ઊંડી છે. તે સાત માળ જેટલી ઊંડી છે. વાવમાં દેવીદેવતાઓની સાથે-સાથે અનુચરતી અપ્સરાઓ અને નાગકન્યાઓની પણ કલાત્મક મૂર્તિઓ કંડારવામાં આવી છે.

અહીંયા એક નાનો દરવાજો છે જે સિદ્ધપુર તરફ જતાં ૩૦ કિલોમીટર લાંબાં એક બોગદામાં ખુલે છે. આ પ્રવેશદ્વાર અત્યારે કાદવ અને પથ્થરોથી ભરાઈ ગયેલું છે પણ મૂળતઃ આ માર્ગ સંકટ સમયે રાજા અને રાજપરિવારને ભાગવા માટે બનાવવામાં આવ્યો હોવાનું અનુમાન છે.
સૌજન્ય : wikipedia