ભારતીય નૌસેનાની હાલની
ક્ષમતા જોતાં તે વિશ્વની પાંચમાં નંબરની સૌથી શક્તિશાળી નૌસેના છે. ભવિષ્યમાં આ
શક્તિમાં વધારો થાય તેવાં આયોજનો પણ ઘડાવા લાગ્યાં છે. ભારતમાં આવેલાં વિશાળ
દરિયાકાંઠાને સુરક્ષિત રાખતી ભારતની નૌસેના દુશ્મનોને પાણી બતાડવા તો સમર્થ છે જ.
આ સાથોસાથ તે દરિયાકાંઠે આવી પડતી કુદરતી હોનારતોમાં ફસાયેલ હજારો અને લાખો લોકોનો
જીવ બચાવી માનવતાની મિસાલ પ્રજ્વલિત પણ રાખે છે.
ભારતની એક બાજુ
વિસ્તારવાડી ચીન અને બર્ફીલી સરહદ છે, તો બીજી બાજુ અટકચાળા કરતાં પાકિસ્તાન સાથે
રણપ્રદેશ અને દરિયાઈ સરહદ છે. ઘુસણખોરી કરતાં બાંગ્લાદેશ તરફ તો વિચિત્ર રીતે
અંકાયેલી બોર્ડર છે. આ સિવાય પૂર્વમાં મ્યાનમાર સાથે જમીની સરહદ અને દક્ષિણમાં
શ્રીલંકા સાથે સમુદ્રી જોડાણ છે. આવી વિવિધ અને વિચિત્ર સીમા હોય ત્યારે દેશની
રખેવાળીનું કાર્ય અઘરું બની જતું હોય છે.
પરંતુ જો આટલી બધી
વિભિન્ન સીમા અને માથાફરેલ પાડોશી દેશો હોય અને સુરક્ષામાં જરા પણ બેદરકારી હોય
ત્યારે આનું ઘાતક પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડે છે. આ માટે ભારતની ત્રણ પાંખ – આર્મી, એરફોર્સ અને નેવી
સતત કાર્યરત રહી કસોટીમાં પાર ઉતરતી હોય છે. આપણું સૈન્ય એટલે જ કદાચ ઘણી બધી રીતે
અદ્રિતીય મનાતું આવ્યું છે. જયારે જયારે આવી અનોખી શક્તિનો સરવાળો થાય ત્યારે જ
ભારતીય ડિફેન્સ વિશ્વનાં પાવરફૂલ મહાસત્તામાં સમાવેશ પામી શકે. સંખ્યાત્મક રીતે
આઝાદી પહેલાં માત્ર 2,000 નૌસૈનિકોનું બળ
ધરાવતી આપણી નેવી અત્યારે 80,000ની થઈ ગઈ છે; જે ભલભલા
દુશ્મનોનાં દાંત ખાટા કરી દેવા સમર્થ બની ગઈ છે.
સુદીર્ઘ ઈતિહાસ
ભારતીય નૌકાદળનો ઈતિહાસ
કંઈ નાનો-સુનો નથી. તેમનો ઈતિહાસ છેક ઇસ્ટ ઇન્ડિયા કંપની સાથે લંબાતો નજર ચડ્યો
છે. દરિયાનો ઉપયોગ કરી વેપાર કરવામાં કુશળ અંગ્રેજોએ વેપાર માટે આવતાં-જતાં દરિયાઈ
જહાજોની સુરક્ષા માટે ઇસ્ટ ઇન્ડિયા કંપની મરીનનાં નામે એક નાનકડાં નૌકાદળની રચના
કરી હતી.
19 સદીની શરૂઆતમાં આ નૌસેનામાં ભારતીય નાવિકોની
પણ ભરતી થઈ. ભારતીય તેમજ અંગ્રેજ અધિકારીઓથી બનેલ આ નેવી ઇન્ડિયન નેવી તરીકે
ઓળખાતી. આ નૌસેના ઘણાં દરિયાઈ યુદ્ધોમાં વિજેતા બની પરંતુ આંખે વળગે તેવી સફળતા
તેમને પ્રથમ વિશ્વયુદ્ધમાં પ્રાપ્ત થઈ. ત્યાં સુધીમાં તો તેમનું નામ રોયલ ઇન્ડીયન
મરીન પડી ગયું હતું.
પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન
ભારતીય નૌસેના એ વિવિધ ઓપરેશનમાં ભાગ લેવાની સાથોસાથ પુરવઠો સપ્લાય કરવાનું કામ
ખૂબ સારી રીતે નિભાવ્યું હતું. આ કામગીરીને પરિણામે બ્રિટિન શાસને તેમનાં માટે વધુ
ફંડ ફાળવ્યું હતું. તેમજ ભારતીય ઓને અધિકારી દરજ્જાની પોસ્ટ પણ પ્રાપ્ત થઈ
હતી.
બીજું વિશ્ર્વયુદ્ધ ફાટી
નીકળ્યું ત્યારે રોયલ ઈન્ડિયન નેવી પાસે માત્ર 114 અધિકારી, 1732 સૈનિકો કાર્યરત હતા; જેમાની કેટલીક
ટુકડીને યુદ્ધમાં મોકલવાનો નિર્ણય થયો. પછી 1942 સુધીમાં બ્રિટિશ અધિકારીઓએ નેવીમાં ભરતી કરીને
અધિકારીઓ અને નૌસેનિકોનો આંકડો પાંચ-છ ગણો મોટો કરીને ખરા અર્થમાં તેને વિશાળ
બનાવી દીધી હતી. વિશ્ર્વયુદ્ધ દરમિયાન હિંદ મહાસાગરમાં જે ઓપરેશન પાર પાડવામાં
આવ્યાં તેમાં રોયલ ઈન્ડિયન નેવીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. યુદ્ધ પૂર્ણ થયું ત્યારે 1945માં રોયલ ઇન્ડીયન
નેવીનું કદ ખુબ જ વિસ્તરી ચુક્યું હતું
અને એક વિશાળ દેશને છાજે તેવી નૌસેના તૈયાર થઈ ચુકી હતી. અધિકારી અને નૌસેનિકોની
સંખ્યાનો આંકડો 25,000ને પાર કરી ચુકી
હતી. આ સાથોસાથ લડાયક જહાજની સંખ્યા પણ 100નો આંકડો પર કરી ચુકી હતી. દરિયાની રખેવાળી
માટે સાત શસ્ત્રસજ્જ નાવ,
2 ડેપો જહાજ અને 30 સહાયક જહાજ, 15 લેન્ડિંગ
એરક્રાફ્ટ અને કેટલાંક વહાણો મળીને એક શક્તિશાળી નૌસેના પાસે હોવા જોઈએ તેવાં તમામ
સાધનો ઉપલબ્ધ બન્યાં હતાં.
રોયલ નેવીનું
ભારતીયકરણ
આઝાદી સમયે રોયલ ઇન્ડિયન
નેવીમાં બ્રિટિશ શાસનની ઓળખ એવો રોયલ શબ્દ દૂર કરી ઇન્ડિયન નેવી એવું સત્તાવાર નામ
રખાયું. 1950માં આ સંખ્યા 11,000ને પાર કરી ચૂકેલી; જે આજની ભારતીય
નૌસેનાનું એ ખરું ભારતીય સ્વરૂપ હતું. આમ છતાંય ઉચ્ચ અધિકારી તરીકે તો અંગ્રેજો જ
હતા. ભારત જયારે ગણતંત્ર બન્યું ત્યારપછી પણ કેટલાંક અંગ્રેજ અધિકારીઓ ઇન્ડિયન
નેવીમાં કાર્યરત રહ્યાં હતાં. ઈન્ડિયન નેવી નામ મળ્યું ત્યારબાદ પહેલા નૌસેના
અધ્યક્ષ અંગ્રેજ અધિકારી હોલ હતા. તેમની નિવૃત્તિ બાદ 1958માં ભારતીય
અધિકારીને નૌસેનાનું અધ્યક્ષપદ મળ્યું. આ ભારતીય અધિકારી એટલે રામદાસ કટારી. એ
જવાબદારી તેમણે 1962 સુધી નિભાવી
હતી. એ દરમિયાન ઈન્ડિયન નેવીનું ખરા અર્થમાં ભારતીયકરણ થયું હતું.
વર્તમાન સ્થિતિ
હાલમાં આ નૌસેના પાસે 78 હજાર કરતાં વધુ
એક્ટીવ સૈનિકો છે, જેમાં 11,000 અધિકારીઓ અને 67,000 નૌસેનિકો છે. આ
ઉપરાંત 295 શિપ અને 251 અત્યંત આધુનિક
એરક્રાફ્ટ છે. 2019 સુધીમાં ભારતીય
નૌકાદળ પાસે હજુ વધુ 150 શિપ જોડાય તેવાં
આયોજન હાથ ધરવામાં આવ્યાં છે. આ ઉપરાંત એરક્રાફ્ટની સંખ્યા પણ 500 પહોચાડવાની નેમ
છે.
આ સાથોસાથ નૌકાદળ અચાનક
આવી પડેલી કુદરતી હોનારતોમાં પણ કુશળતાપૂર્વક કાર્ય કર્યું છે. આશરે 10 વર્ષ પહેલાં
ભારત જ નહી પરંતુ દરિયાઈ પટ્ટીનાં બધા જ દેશો પર કર્મો કહેર મચાવ્યો હતો. ત્યારે
પણ ભારતીય નૌસેનાનાં જવાનોએ રાત-દિવસનો ભેદ કર્યા વિના અને અફાટ સાગરમાં ભૂખ તરસની
પરવા કર્યા વગર “ઓપરેશન મદદ” હાથ ધરી લાખો
લોકોની મદદ કરી હતી. 27 શિપ દ્વારા ભારત
ઉપરાંત ઇન્ડોનેશિયા, શ્રીલંકા સહિતનાં
દેશોને માનવતાને નાતે મદદ કરી હતી.વૈશ્વિક તુલના કરતાં ભારતનાં નૌકાદળ અમેરિકા.
રશિયા, ચીન અને બ્રિટીશ
નેવી પછી પાંચમો નંબર ભારતનો આવે છે.
ગૌરવશાળી મિશનો
1961માં પહેલી વાર પોર્ટુગીઝો સામે મિશન પર પાડી
ગોવાને પોર્ટુગીઝની ચુંગાલમાંથી આઝાદ કરાવ્યું. તેમાં પહેલી વખત પોર્ટુગીઝ નેવી
સાથે આમને-સામને લડત થઈ.
1965નાં પાકિસ્તાન સામેનાં યુદ્ધમાં પાકિસ્તાની
નેવીનો દરિયાકાંઠા પર હુમલો ખાળવામાં સફળતા મેળવી. દ્વારકા દરિયામાં જે પાકિસ્તાની
સેના ઘસી આવી તેને ભારતીય નૌકાદળે પીછેહઠ કરવાંની ફરજ પડી હતી.
1971નાં પાકિસ્તાની સાથેનાં યુદ્ધમાં નૌકાદળને સૌથી
મોટી જવાબદારી ઉપાડવાની તક મળી. ભારતીય નૌકાદળનાં પૂર્વી વિભાગે આજનાં બાંગ્લાદેશનાં
દરિયાકાંઠે હવાઈ મથકો અને સમુદ્રી મથકો પર નિયંત્રણ મેળવી લીધું હતું. વિમાનવાહક
યુદ્ધજહાજની મદદથી પાકિસ્તાનનાં મહત્વપૂર્ણ સ્થળો ઉપરાંત તૈનાત પાકિસ્તાની
યુદ્ધજહાજોનો ખાતમો બોલાવ્યો હતો. ભારતીય નૌસેના એ કરાચીનાં બંદરો સુધી હુમલો
કર્યો અને પાકિસ્તાની નૌસેનાને કમરતોડ જવાબ આપ્યો. આ સિવાય ભારતીય વાયુસેનાનાં
ઓપરેશનોમાં પણ નૌસેનાએ અગત્યની ભૂમિકા ભજવી હતી. પાકિસ્તાનનાં યુદ્ધજહાજો નષ્ટ
કરીને નુકશાન પહોચાડ્યું એ સામે ભારતની નૌસેનાને માત્ર એક જ યુદ્ધજહાજ – ‘ખકરી’ ગુમાવ્યું પડ્યું
હતું. આ સિવાય આખા યુદ્ધમાં નૌસેનાની કામગીરી પાકિસ્તાની નૌસેના સામે ચડિયાતી
સાબિત થઈ હતી.
1987માં થયેલ ‘ઓપરેશન પવન’ પણ નૌસેનાએ અભૂતપૂર્વ પાર પડ્યું હતું. યુએન
માટે લડતી ભારતીય સેનાને હથિયાર અને દારૂગોળો જેવી સામગ્રી ઉપરાંત વાહનો સાથે
શ્રીલંકા પહોંચાડવાની જવાબદારી નૌસેનાને સોંપાઈ હતી. આ ઓપરેશનમાં નૌકાદળે ઝળહળતી
સફળતા પ્રાપ્ત કરી હતી.
આવું જ એક ઓપરેશન ફૈક્ટ્સ
હતું. તેમાં માલદીવના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ અબ્દુલ કયુમને ભારતીય સૈન્યની મદદ
આપવામાં આવેલી હતી.
આ સિવાય 1999માં પાકિસ્તાન
સાથે કારગિલ યુદ્ધ થયું ત્યારે ઓપરેશન વિજયમાં પણ નૌસેનાની મદદ લેવામાં આવી હતી.
યુએનની શાંતિ સેના માટે પણ ભારતીય નૌકાદળે સક્રિય ભૂમિકા ભજવેલી છે.
ચિત્ર અને માહિતી સૌજન્ય : gujaratsamachar