Republic Day - 2019

02 December 2018

White wagtail


White wagtail (દિવાળીઘોડો)

બુલબુલ જેવડું કદ. લાંબી પૂંછડી અને એકવડીયા શરીરવાળા, કાળા ધોળા તથા રાખોડી રંગવાળા ચપળ પંખીને આંગણા, શેરી, કે મેદાનમાં ફરતું જુઓ તો થોડીવાર ઉભા રહી તેનું નિરીક્ષણ કરજો.ઘોડા જેમ પોતાની પૂંછડી વારંવાર ઉંચી નીચી કરે છે તેમ તે પંખીને પણ કરતુ જુઓ એટલે સમજી લેવું કે તે દિવાળીઘોડો છે. ચોમાસું ઉતરતાં તે આપણે ત્યાં બહારથી આવે છે. ઓક્ટોબરથી માર્ચ દરમ્યાન હરિયાળી ઘાસ, પાણીકાંઠા કે તેની નજીક જોવા મળે. દિવાળીઘોડોની જુદી જુદી પાંચ-છ જાતો ગુજરાત રાજ્યમાં આવે છે. તેમને બે વિભાગમાં વહેંચી શકાય. એક વિભાગ ધોળા, કાળા અને રાખોડી રંગવાળો. બીજો વિભાગ પીળા રંગનાં પ્રાધાન્યવાળો. આથી તેમને પીળકિયા  એવું સામાન્ય નામ આપેલું છે. આ બધામાં દિવાળીઘોડો વધારે વ્યાપક. બીજાં દિવાળીઘોડા પાણીથી બહુ દૂર ન જાય, જયારે આ આંગણા, શેરી, વાળી કે ખેતર-પાદરમાં પણ દેખાય.
નર-માદા ના દેખાવમાં થોડો ફેર. નરના રંગ ઉજળા અને શરીર ઉપરની ભાત ચોખ્ખી. માદામાં તે બંને ઝાંખાં. પાછલું માથું અને ઓડ કાળાં.છાતી ઉપર ચંદ્રાકારે કાળો રંગ. કપાળ, ગાલ, કાન પાસેનો ભાગ અને ગળું સફેદ. છાતીની બાજુઓ અને પડખાં રાખોડી. પાણીમાં કે કાંઠે ઊગેલ ચીયા, મોટું ઘાસ કે શેરડીના વાઢમાં રાતવાસા માટે મોટી સંખ્યામાં ભેગાં થાય. દિવસ દરમ્યાન ખોરાક મેળવવાની સગવડ મુજબ બે-પાંચ કે પંદર-વીસ છુટા છવાયાં ફરતાં હોય.પૂંછડી ઉંચી-નીચી કરતાં ઝડપથી પાંચ-દસ  ડગલાં ભરે અને જીવાત શોધવા આગળ વધે. આ પ્રમાણે જમીન ઉપર ફર્યા કરે.
ચી..સ્વીટ .. ચી..સ્વીટ .. એવો તેનો અવાજ, જેમાં પ્રફુલ્લતા અનુભવી શકાય. પ્રજનન ઋતુ આવતાં મીઠું ગાય. ઉડાન પાણીના હિલોળા જેવી. ઉંચી નીચી થતી અને જોવી ગમે તેવી. ઉડતાં બોલવાની ટેવ.
સૌજન્ય : લાલસિંહ રાઓલ