Republic Day - 2019

01 December 2018

શ્વેતનયના / બબુના


Oriental white-eye : શ્વેતનયના / બબુના


ચકલીથીય કદ નાનું.
શ્વેતનયના એટલે નમણું મીઠડું કોમળ નાનકડું પંખી. ગાયક નથી પણ ઝીણી ઘુઘરી જેવો તેનો અવાજ મીઠો જરૂર છે. પંડે નાનું પણ તરવરાટ ઘણો. મોટે ભાગે પાંચ પંદરની નાની મોટી ટોળીમાં ફરતી રહે. ઉજ્જડ કે વેરણ પ્રદેશમાં જોવા ન મળે. વનરાઈ અને ફૂલવાળા નાનાં મોટાં ચૂડ-ઝાડમાં ઘૂમ્યા કરે. તેમાંથી ઝીણી જીવાત,ઇયળો અને ઈંડા ખાય. નાનાં ફળ પણ ખાય. ફૂલોનો રસ પીવાની શોખીન, તે માટે અનુકૂળ થાય તેવી તેની જીભની રચના છે: ચાંચની બહાર નીકળી શકે તેવી થોડી લાંબી અને આછી રુંવાટીવાળી. જીવાત શોધવા પાંદડાં પાછળ કે થડ અને ડાળીઓની છાલમાંની તિરાડો તપાસવા ઉંધા માથે લટકી શકે. જ્યાં કોઈ ન હોય એવાં વૃક્ષ ઝુંડમાં ઓચિંતી શ્વેતનયનાની ટોળી આવી ચડે. પોતાની પ્રવૃત્તિ અને અવાજથી વૃક્ષોને થોડીવાર જીવંત બનાવી મુકે. જીવાત શોધતી જાય, ખાતી જાય અને મીઠું મીઠું બોલતી જાય. ટોળીમાંના પંખીઓ પોતાની બોલીથી એકબીજાના સંપર્કમાં રહે. પાંચ-સાત મિનીટ રહ્યાં ન રહ્યાં અને બીજાં ઝુંડમાં જવા ઉડી નીકળે. ત્યાં ફરી તે જ પ્રવૃત્તિ. આળસનું નામ નહિ.
શ્વેતનયનાનું ઉપરનું શરીર પીળાશ પડતું લીલું. તરત ધ્યાન ખેંચે તેવું આંખ ફરતું સ્પષ્ટ સફેદ વલય. તેની નીચે અને આગળ ચાંચ તરફ થોડો કાળો ભાગ. દાઢી, ગળું અને પેડું ચળકતાં પીળા.છાતી અને પેટાળ આછાં રાખોડી. ચાંચ કાળી, પગ રાખોડી. નર-માદા બારેમાસ દેખાવે સરખાં, રંગ પલટો કરતાં નથી.
મુખ્યત્વે વૃક્ષ ઘટા અને બાગ બગીચાઓનું પંખી. જીવન વ્યવહારે વૃક્ષચર. જમીન ઉપર ભાગ્યે જ આવે.
પ્રજનન ઋતુ મે થી સપ્ટેમ્બર. છોડવા કે વૃક્ષમાં વાટકી આકારનો સુંદર મળો કરે.
સ્થાયી નિવાસી.વ્યાપક.
સાભાર: પ્રકૃતિ પરિચય શ્રેણી. ભાગ-૪