નૃસિંહપ્રસાદ કાલિદાસ ભટ્ટ, ‘નાનાભાઈ ભટ્ટ’ (૧૧-૧૧-૧૮૮૨, ૩૧-૧૨-૧૯૬૧):
આત્મચરિત્રકાર, કથાલેખક. જન્મ
ભાવનગરમાં. મૂળ વતન પચ્છેગામ(ભાલ). પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં. ભાવનગરની
શામળદાસ કૉલેજમાંથી ૧૯૦૩માં વેદાંત-અંગ્રેજી વિષયો સાથે બી.એ. ૧૯૦૭માં એ જ
વિષયોમાં મુંબઈથી એમ.એ. પછી એસ.ટી.સી. મહુવાની હાઈસ્કૂલના આચાર્ય રૂપે નોકરીનો
પ્રારંભ. ૧૯૦૮માં શામળદાસ કૉલેજમાં ઇતિહાસ-અર્થશાસ્ત્રના અધ્યાપક. ૧૯૧૦માં ‘દક્ષિણામૂર્તિ
વિદ્યાર્થીભવન’ નામની સંસ્થાની
સ્થાપના. ૧૯૩૮માં આંબલા (સોનગઢ) ગામે નઈ તાલીમ આધારિત ગ્રામ-કેળવણીના નૂતન પ્રયોગ ‘ગ્રામ
દક્ષિણામૂર્તિ’ નામની લોકશાળાની
સ્થાપના. આને પગલે ગુજરાતમાં અનેક લોકશાળાઓ જન્મી અને ગ્રામ-કેળવણીમાં ક્રાંતિ થઈ.
૧૯૪૮માં નવા સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ પ્રધાનમંડળમાં, શિક્ષણમંત્રી. ગાંધીજીના નિમંત્રણથી ૧૯૨૬ના
અરસામાં સવા વર્ષ માટે ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક. ૧૯૫૩માં ગ્રામ ઉચ્ચ કેળવણીની
સંસ્થા લોકભારતી(સણોસરા)ની સ્થાપના. ૧૯૫૪-૧૯૫૮ દરમિયાન રાજસભાના નિયુક્ત સભ્ય.
કેળવણીપ્રદાન અંગે ૧૯૬૦માં ‘પદ્મશ્રી’નો ખીતાબ. લોકભારતી, સણોસરામાં અવસાન.
પ્રાચીન સાહિત્યનું મૌલિક શૈલીમાં પુનનિર્માણ તેમ જ કેળવણી
અને ધર્મચિંતન વિશેનું સાહિત્ય એમનું મહત્ત્વનું પ્રદાન છે. સરળ અને હૃદયસ્પર્શી
ગદ્ય તેમના લખાણોની વિશેષતા છે. એમની પાસેથી નિખાલસ અને નિર્ભીક આત્મકથા ‘ઘડતર અને ચણતર’ મળી છે.
સૌજન્ય : gujaratisahityaparishad
