એક હતો ખેડૂત. તેને પાંચ
દીકરા હતા. તે બધા બળવાન અને મહેનતુ હતા. પણ તેઓ અંદરોઅંદર એકબીજા સાથે લડતા-ઝઘડતા
હતા.
ખેડૂતની ઈચ્છા હતી કે
પાંચેય દીકરા ઘરમાં સંપીને શાંતિથી રહે. એટલે તે એમને ખૂબ સમજાવતો. પરંતુ ખેડૂતની
સલાહની દીકરાઓ પર કોઈ અસર થતી નહિ. તેથી ખેડૂત હંમેશા ચિંતાતુર રહેતો.
એ રોજ વિચાર કરતો કે આ
છોકરા સંપીને રહે તે માટે શું કરવું જોઈએ? એક દિવસ અચાનક તેને ઉકેલ મળી ગયો. તેણે પાંચેય
દીકરાને પોતાની પાસે બોલાવી કહ્યું: ‘જુઓ આ લાકડાની ભારીમાંથી એક પણ લાકડી કાઢ્યા
વિના આખી ભારી તમારામાંથી કોણ તોડી શકે છે?’
ખેડૂતના દરેક દીકરાએ
વારાફરતી લાકડાની એ ભારી હાથમાં લીધી. દરેકે તે ભારીને તોડવા બળપૂર્વક ખૂબ પ્રયત્ન
કર્યો. પરંતુ એમાંથી કોઈ પણ એ ભારી તોડી ન શક્યો.
પછી પેલા ઘરડા ખેડૂતે કહ્યું:
‘ચાલો લાકડાની ભારી છોડી નાખો અને તેની લાકડી એક પછી એક તોડી
નાખો.’ દરેકે એક પછી એક લાકડી હાથમાં લીધી અને સરળતાથી
તોડી બતાવી.
પછી ખેડૂતે સલાહ આપતાં
કહ્યું: ‘એક એક લાકડી સહેલાઈથી તૂટી ગઈ કેમકે તે મજબૂત
નહોતી. પણ એ જ લાકડીઓ જ્યારે ભારીમાં બંધાયેલી હતી ત્યારે ખૂબ જ મજબૂત હતી. તમે પણ
પાંચેય જણ સંપથી રહેશો તો મજબૂત બનશો પરંતુ લડી ઝઘડીને અલગ અલગ રહેશો તો કમજોર
બનશો.’