ઘણાં વર્ષો પહેલાંની આ વાત
છે.
ઉજૈન નગરીમાં એક બ્રાહ્મણ
રહેતો હતો. એ સ્વભાવનો ઉતાવળીયો હતો અને નાની નાની વાતમાં ગુસ્સો કરવાની અને ધમાલ
મચાવવાની એને ટેવ હતી. એની પત્ની એને ઘણી વખત સમજાવે પણ તેના સ્વભાવમાં ફરક પડતો ન
હતો.
એક વખત તેની પત્ની નદી પર
પાણી ભરવા ગઈ. તે જતાં જતાં તેના પતિને કહેતી ગઈ કે આપણું બાળક પારણાંમાં સૂતું છે
તેનું તમે ધ્યાન રાખજો અને હું ન આવું ત્યાં સુધી તમે દૂર ખસતા નહિ.
બન્યું એવું કે જેવી
બ્રાહ્મણી ગઈ કે તરત બ્રાહ્મણને તેના યજમાનનું એક તેડું આવ્યું. યજમાનને ઘરે કોઈ
સારો પ્રસંગ હતો અને તે નિમિત્તે તેણે બધા બ્રાહ્મણોને સીધું-સામાન અને
દાન-દક્ષિણા લેવા બોલાવ્યાં હતાં. બ્રાહ્મણને થયું કે જો હું જવામાં મોડું કરીશ તો
મારાં દાન-દક્ષિણા પણ અન્ય બ્રાહ્મણો લઈ જશે અને મને કંઈ નહિ મળે. આજુબાજુ જોયું
તો તેણે પોતાનો પાળેલો નોળીયો દેખાયો.
બ્રાહ્મણના ઘરની આજુબાજુ
ઘણી વખત સાપ નીકળતા હતા અને સાપના ઉપદ્રવથી બચવા માટે બ્રાહ્મણ-બ્રાહ્મણીએ નોળીયો
પાળ્યો હતો. બ્રાહ્મણે નોળીયાને બાળકની બાજુમાં બેસવાનું અને તેનું બરાબર ધ્યાન
રાખવાનું કહ્યું અને તે યજમાનના ઘરે ગયો.
બ્રાહ્મણના ગયા પછી નોળીયાએ
એક મોટા કાળા સાપને બાળક તરફ આવતા જોયો. નોળીયા તો સાપના જન્મજાત દુશ્મન એટલે એ
સાપના ટૂકડેટૂકડાં કરી ખાઈ ગયો. ત્યાં તેણે બ્રાહ્મણને આવતાં જોયો એટલે તે દોડીને
તેના પગમાં આટોળવા લાગ્યો.
બ્રાહ્મણે જોયું તો
નોળીયાનું મોઢું લોહીવાળું હતું. તેને થયું કે નકી આ નોળીયો મારા બાળકને મારીને
ખાઈ ગયો લાગે છે. ગુસ્સે ભરાઈને તેણે પોતાની લાકડી વીંઝી નોળીયાને ત્યાં ને ત્યાં
મારી નાખ્યો અને ઝટઝટ અંદર જઈને જુએ તો બાળક પારણાંમાં ઘસઘસાટ ઊંઘી રહ્યું હતું
અને પારણાની આસપાસ મરેલા સાપના ટુકડાં વેરણછેરણ પડ્યાં હતાં.
આ જોઈને એને ખ્યાલ આવ્યો કે
તેના વફાદાર પાળેલા નોળીયાએ તો તેના બાળકને મોતનાં મોંમાંથી ઉગાર્યો હતો અને પોતે
તે ભલાં પ્રાણીની કોઈ કદર કરવાના બદલે વગર વિચાર્યે તેને જ મારી નાખ્યો હતો.
બ્રાહ્મણી પાણી ભરીને પાછી
આવી તો તેને પણ પોતાના પાળેલા નોળીયાને મરેલો જોઈ ખૂબજ દુઃખ થયું. પછી તેણે
બ્રાહ્મણ પાસેથી વચન લીધું કે હવે પછી તે ખોટી ઉતાવળ કરી વગર વિચાર્યું કામ કદી
નહિ કરે.