Republic Day - 2019

06 January 2019

કરતા હોય સો કીજિયે


કલવો કાગડો આખો દિવસ ગામ આખાનાં દરેક ઘરેથી લાગ જોઈને ખાવાનું લઈ આવે. પછી નદીને કિનારે ઝાડ પર બેસી નિરાંતે ખાય.
તે દરરોજ બગલાને માછલાં પકડતાં જુએ. ક્યારેક બગલો કાગડાને નાની નાની માછલીઓ ખાવા માટે આપે.
થોડા દિવસોમાં કાગડો અને બગલો ભાઈબંધ થઈ ગયા. બગલો દરરોજ ઊંચે ઊડે. પાણીમાં જુએ. માછલું દેખાય કે સરરર કરતો નીચે આવે અને પોતાની લાંબી ચાંચ પાણીમાં નાખી માછલું પકડી પાડે. બગલાને મોટી પાંખ, લાંબી ચાંચ અને જોર ઘણું એટલે સહેલાઈથી તે આ કામ કરે.
એક દિવસ કાગડાને વિચાર આવ્યો કે હું પણ બગલાની જેમ માછલાં પકડું તો મારે ગામ આખામાં ભટકીને ખાવાનું શોધવું ન પડે. નદીને કિનારે શાંતિથી રહી શકું અને બગલાની ગરજ મટે.એવું વિચારી કાગડો આકાશમાં ઊડ્યો. પાણીમાં નજર કરીને જુએ તો નીચે છીછરા, કાદવ અને શેવાળવાળા પાણીમાં થોડા માછલાં દેખાયા એટલે ઊંચા પગ કરી, હતું એટલું જોર કરી પાણીમાં પડ્યો.

છીછરા પાણીમાં પડતાં વેંત તેની ચાંચ ચીકણી શેવાળમાં ફસાઈ ગઈ. મોં અને આંખ કાદવથી ખરડાઈ ગયાં. પૂંછડી પાણી બહાર રહી ગઈ અને ઊંધા માથે પટકાયેલા કાગડાભાઈ તરફડવા લાગ્યા. કલવા કાગડાને તરફડતો જોઈ બગલો ત્યાં આવી પહોંચ્યો અને તેને પૂંછડીએથી પકડી બહાર ખેંચી કાઢ્યો.
કલવો કાગડો શરમાઈ ગયો. બગલો જતાં જતાં કહેતો ગયો કે,
કરતા હોય સો કીજિયે ઓર ન કીજિયે કગ
માથું રહે શેવાળમાં ને ઊંચા રહે બે પગ
કલવાભાઈને છેવટે સમજ પડી કે કોઈનું આંધળું અનુકરણ એ મૃત્યુનું કારણ બની શકે છે.