આપણા ઘરમાં રહેતી બિલાડીને પાણીમાં ભિંજાવું ગમે નહીં. તરવાની તો વાત જ ક્યાં રહી. પરંતુ બિલાડી પણ જાતજાતની હોય છે. ઘણી બિલાડીઓ પાણીમાં તરી પણ શકે અને કેટલીક તો તળાવ કે નદીના પાણીમાં ડૂબકી મારી માછલીનો શિકાર પણ કરે.
ભારત તેમજ દક્ષિણ એશિયાના પાકિસ્તાન, મ્યાંમાર, શ્રીલંકા તેમજ ઇન્ડોનેશિયામાં જળબિલાડી જોવા મળે છે. ૨૦થી ૪૦ ઇંચ સુધી લાંબી અને લગભગ ૨૪ ઈંચ ઊંચી આ બિલાડી ભૂખરી રૃંવાટી પર કાળા ટપકાવાળું શરીર ધરાવે છે. તેના પગના આંગળા પાતળા પડદાથી જોડાયેલા હોવાથી તે પાણીમાં તરી શકે છે અને કાદવ કીચડમાં ચાલી શકે છે. હિમાલયની તળેટીના જંગલોમાં તે વધુ જોવા મળે છે. જળબિલાડીનો મુખ્ય ખોરાક માછલી છે તે પાણીમાં ઊંડે સુધી ડૂબકી મારી મોં વડે માછલા પકડી લે છે. જળબિલાડી તળાવ કે નદીના કિનારે જમીનમાં બખોલ બનાવીને રહે છે. જળબિલાડી સ્વભાવે આક્રમક છે.
સૌજન્ય: gujaratsamachar