ફળોની દુકાનમાં લીલી અને કાળી દ્રાક્ષના ઝુમખાં જોઈને મોંમા પાણી આવી જાય ખરું ને ? દ્રાક્ષ એ સૌને ભાવતું ફળ છે. દ્રાક્ષ વેલા ઉપર ઝુમખા રૃપે ઊગે છે. એક ઝુમખામાં ૧૦૦ થી ૩૦૦ દ્રાક્ષ હોય. દ્રાક્ષ મુખ્યત્વે કાળી અને સફેદ એ બે પ્રકારની હોય છે. સફેદ દ્રાક્ષ હકીકતમાં આછા લીલા રંગની હોય છે. અર્ધ પારદર્શક છાલ હેઠળ ભરેલો રસ તેને લોભામણી બનાવે છે. કાચી દ્રાક્ષ ખાટી હોય છે. પાકે ત્યારે મીઠી લાગે છે. દ્રાક્ષને સુકવીને સૂકામેવા તરીકે ઉપયોગ થાય છે. દ્રાક્ષ આરોગ્ય માટે લાભકારી હોવાનું કહેવાય છે.
દ્રાક્ષની ખેતી ૬૦૦૦ વર્ષ પહેલાંથી શરૃ થઈ છે. આજે વિશ્વભરના દેશોમાં જાતજાતની દ્રાક્ષ થાય છે. વિદેશમાં દ્રાક્ષનો ઉપયોગ દારૃ બનાવવામાં થાય છે.
ભારતમાં આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં દ્રાક્ષની વધુ ખેતી થાય છે. ભારતમાં થતી જુદા જુદા પ્રકારની દ્રાક્ષને અંનાબેશાહી, ઇસાબેલા, ભોકરી, કલેમ, ગુલાબી, શરદ, થોમ્સ જેવા નામે ઓળખવામાં આવે છે. સૂકી દ્રાક્ષને પણ તાસે ગણેશ, સોનાકા, માણિકચમન જેવા નામે ઓળખવામાં આવે છે.
પાકી દ્રાક્ષ સીધી ખાવાના ઉપયોગમાં આવે છે. દ્રાક્ષનો જામ, જેલી વિનેગાર બનાવવામાં પણ ઉપયોગ થાય છે. દ્રાક્ષના બીજનુ તેલ ઔષધોમાં વપરાય છે.
સૌજન્ય: gujaratsamachar