એક હતો પેમલો ને એક હતી
પેમલી.
લાકડાં કાપવાથી થાકીપાકી
પેમલો સાંજે ઘેર આવ્યો અને પેમલીને કહ્યું - પેમલી ! આજ તો થાકીને લોથ થઈ ગયો છું.
જો મને પાણી ઊનું કરી આપે તો નાહીને પગ ઝારું અને થાક ઉતારું.
પેમલી કહે - કોણ ના કહે છે ? લો પેલો હાંડો; ઊંચકો જોઈએ !
પેમલે હાંડો ઊંચક્યો ને કહે
- હવે ?
પેમલી કહે - હવે બાજુના
કુવામાંથી પાણી ભરી આવો.
પેમલો પાણી ભરી આવ્યો ને
કહે - હવે ?
પેમલી કહે - હવે હાંડો ચૂલે
ચડાવો.
પેમલે હાંડો ચૂલે ચડાવ્યો
ને કહે - હવે ?
પેમલી કહે - હવે લાકડાં
સળગાવો.
પેમલે લાકડાં સળગાવ્યાં ને
કહે - હવે ?
પેમલી કહે - હવે ફૂંક્યા
કરો; બીજું શું ?
પેમલે ચૂલો ફૂંકીને તાપ
કર્યો ને કહે - હવે ?
પેમલી કહે - હવે હાંડો નીચે
ઉતારો.
પેમલે હાંડો નીચે ઉતાર્યો
ને કહે - હવે ?
પેમલી કહે - હવે હાંડો ખાળે
મૂકો.
પેમલે હાંડો ખાળે મૂક્યો ને
કહે - હવે ?
પેમલી કહે - જાઓ હવે નાહી
લો.
પેમલો નાહ્યો ને પછી કહે -
હવે ?
પેમલી કહે - હવે હાંડો
ઠેકાણે મૂકો.
પેમલે હાંડો ઠેકાણે મૂક્યો
અને પછી શરીરે હાથ ફેરવતો ફેરવતો બોલ્યો - હાશ ! જો, શરીર કેવું મજાનું હળવુંફૂલ
થઈ ગયું ! રોજ આમ પાણી ઊનું કરી આપતી હો તો કેવું સારું !
પેમલી કહે - હું ક્યાં ના
પાડું છું? પણ આમાં આળસ કોની?
પેમલો કહે - આળસ મારી ખરી; પણ હવે નહિ કરું.