Republic Day - 2019

06 January 2019

શું ચડે? ભણતર કે સામાન્ય સમજ?


 એક ગામમાં ચાર મિત્રો રહેતા હતા. તેમાંના ત્રણ ખૂબ ભણીને વિદ્વાન થયા હતા. આમ તો તેઓ જ્ઞાનનો ભંડાર હતા પણ તેમનામાં સામાન્ય સમજદારીનો તદ્દન અભાવ હતો. ચોથો મિત્ર કંઈ ખાસ ભણ્યો ન હતો પણ તેનામાં સામાન્ય સમજ ઘણી હતી.

એક દિવસ ચારે મિત્રો પોતપોતાનું નસીબ અજમાવવા રાજાની રાજધાની તરફ જવા નીકળ્યા. રસ્તામાં એક જંગલ આવતું હતું. તેઓ હસી-મજાક કરતા જંગલમાંથી પસાર થતા હતા. અચાનક તેમની નજર એક ઝાડ નીચે પડેલાં હાડકાંના ઢગલા પર પડી. ચારેય મિત્રો ધીરે ધીરે ચાલતા હાડકાંના ઢગલા પાસે પહોંચ્યા. તેઓને થોડો ડર પણ લાગ્યો. પેલા વિદ્વાન મિત્રોમાંના એકે તો હાડપિંજરને બરાબર ધ્યાનથી જોયું પછી બોલ્યો: આ કોઈ સિંહનાં હાડકાં લાગે છે. હું મારી વિદ્યાના બળે આ હાડકાને એકબીજાં સાથે ગોઠવી મરેલા સિંહનું હાડપિંજર તૈયાર કરી આપી શકું તેમ છું.એમ કહી તેણે સિંહનું હાડપિંજર તૈયાર કર્યું.

હાડપિંજર જોઈને બીજા વિદ્વાન મિત્રે કહ્યું: મારી વિદ્યાથી હું આમાં લોહી, માંસ-મજ્જા ભરી દઉં અને તેની પર ચામડી મઢી દઉં!એમ કહી તેણે હાડપિંજરને લોહી, માંસ-મજ્જા, ચામડીથી તૈયાર કરી દીધું.

આ જોઈ ત્રીજો વિદ્વાન મિત્ર બોલ્યો, ‘મારી વિદ્યાથી આ સિંહને હું જીવતો કરી શકું.પેલા ઓછું ભણેલા ચોથા મિત્રે વિચાર્યું કે આ સિંહ જીવતો થશે તો કોઈને છોડશે નહિ. તેણે સૌને ચેતવ્યા કે આ સિંહને જીવતો કરીને આપણે કોઈ ખતરો ઊભો કરવો નથી.

એક વિદ્વાન મિત્ર બોલ્યો, ‘આ મૂર્ખ આપણી વિદ્યાની અદેખાઈ કરે છે. આપણે એનું કાંઈ સાંભળવું નથી.

બીજા બે વિદ્વાન મિત્રો પણ તેની વાત સાથે સંમત થયા. પેલો ચોથો શાણો મિત્ર દોડીને દૂર ઝાડ પર ચઢી ગયો. પેલા ત્રણ વિદ્વાન મિત્રો તેના તરફ હસ્યા. તેની મજાક ઉડાવી.

એક જણ બોલ્યો, ‘સાવ ડરપોક!

બીજો કહે, ‘અદેખો છે અદેખો!

પછી પેલા ત્રીજા વિદ્વાન મિત્રે સિંહમાં પ્રાણ પૂર્યો કે તરત સિંહ આળસ મરડીને ઊભો થયો અને ત્રાડ પાડી. પાસે જ ઊભેલા પેલા ત્રણ વિદ્વાન મિત્રો પર સિંહ તૂટી પડ્યો અને તેમને ફાડી ખાધા. ઝાડ પર ચડી ગયેલા પેલા ચોથા મિત્રને તેની સામાન્ય બુદ્ધિ અને ડહાપણે બચાવી લીધો.

આપણી પાસે જે કોઈ જાણકારી કે જ્ઞાન હોય તેનો વગર વિચારે ઉપયોગ ન કરવો જોઈએ.