કાચ નાજુક અને બરડ વસ્તુ છે. મોટો અવાજ કે ધડાકો થાય તો પણ તેમાં તિરાડો પડી જાય. વૈજ્ઞાનિકોએ થોડા મજબુત કાચ પણ વિકસાવ્યા છે. ટ્રક અને મોટાં વાહનોના કાચમાં બે કાચના પડ વચ્ચે પારદર્શક રબરનું પડ ચોટાડેલું હોય છે. એટલે કાચ તિરાડ પડે તો પણ તૂટી પડતા નથી. પરંતુ બુલેટપુફ્ર કાચ તો નવાઈની વાત કહેવાય.
બંદૂકમાંથી છોડાયેલી ધસમસતી બુલેટ કાચ સાથે અથડાય ત્યારે શું થાય છે તે જાણવું પડે. તમે ક્રિકેટ રમતા હશો. સામેથી આવતાં બોલને કેચ કરતી વખત બે હાથ વડે બોલને રોકો છો. બોલમાં ગતિશક્તિ રહેલી છે. તે શકિત હાથને નુકસાન પણ કરી શકે છે. હાથમાં જાડા ગ્લોવ્ઝ આ શક્તિની અસર ઘટાડે છે. પરંતુ સાથે બોલ કેચ કરતી વખતે હાથને એકાદ ઇંચ પાછળ પણ ખેંચે છે. જેથી બોલની ગતિશક્તિ ઘટી જાય.
કાચ સાથે ગોળી અથડાય ત્યારે ગોળીની તીવ્ર ગતિશક્તિ કાચમાં પ્રવેશે છે. ગોળીની ઝડપ ઘટે અને તે કાચ તોડીને આગળ વધે. કાચ આ ગતિશક્તિને ગ્રહણ કરી શકતો નથી એટલે તૂટી જાય છે. વિજ્ઞાનીઓએ ગતિશક્તિનું શોષણ કરી લે તેવા કાચ બનાવ્યા છે. જેમાં કાચના અનેક પડ વચ્ચે પોલી કાર્બોનેટના પારદર્શક પડ હોય છે. આ પડને લેમિનેટ કહે છે. ત્રણ ચાર કાચના પડ વચ્ચે ત્રણ ચાર પોલિકાર્બોનેટના પડ જોડાઈને બુલેટપ્રુફ કાચ બને છે. બુલેટ આ કાચ સાથે અથડાય ત્યારે તેના આઘાત તેમજ ગતિશક્તિ પોલિકાર્બોનેટ કાચમાં એક સ્થાને કેન્દ્રિત ન થતાં ચારે તરફ વિખેરાઈ જાય છે.
બુલેટપ્રુફ કાચ ૩થી ૪ સેન્ટીમીટર જાડા હોય છે. મહાનુભાવોની કારો, બેંકો અને અન્ય સલામતીની જરૃરિયાત વાળા સ્થળે બુલેટપ્રુફ કાચનો ઉપયોગ થાય છે.
સૌજન્ય: gujaratsamachar