Republic Day - 2019

06 January 2019

ચતુર કાગડો


 એક કાગડો હતો. ઉનાળાના દિવસોમાં ઊડતો ઊડતો તે ઘણે દૂર નીકળી ગયો. એવામાં તેને બહુ જ તરસ લાગી. તરસથી તેનો કંઠ શોષાવા લાગ્યો. આજુબાજુ કોઈ નદી કે તળાવ ન હતા.

પાણીની શોધમાં તે આમતેમ ભટકવા માંડ્યો. ઘણી શોધ કરવા છતાં તેને પાણી મળ્યું નહિ.

અચાનક તેની નજર એક કોઠી પર પડી. તેના આનંદનો પાર ન રહ્યો. ઝડપથી તે કોઠી પાસે પહોંચી ગયો. તેને થયું મહેનતનું ફળ મળ્યું ખરું!

જુએ તો કોઠીમાં પાણી તો હતું પણ ઠીક ઠીક નીચે હતું. તરસ્યા કાગડાએ પાણી પીવા ડોક લંબાવી પણ તેની ચાંચ પાણી સુધી પહોંચી નહિ.

પાણી પીવા તેણે ઘણી મહેનત કરી. ખૂબ ઊંચો નીચો થયો,પરંતુ બધી જ મહેનત નકામી ગઈ.

પણ તે હિંમત ન હાર્યો. ખંતથી કામ લેવાનું તેણે નક્કી કર્યું. કોઈપણ યુક્તિ કરીને તરસ છીપાવવી એમ તેણે વિચાર્યું.

તે ચતુર હતો. તેણે આજુબાજુ નજર કરી. બાજુમાં કાંકરાનો ઢગલો પડેલો હતો તે જોઈને તે મનમાં હરખાયો. તેને યુક્તિ સૂઝી ગઈ.

જો કે એમાં ઘણી જ ધીરજ અને મહેનતની જરૂર હતી. તરસે મરવા કરતાં મહેનત કરવી સારી એમ વિચારી તેણે ઢગલામાંથી ચાંચથી કાંકરો ઉપાડ્યો. કાંકરાને કોઠીમાં નાખ્યો. તેણે વારાફરતી ઊડી ઊડીને કાંકરા કોઠીમાં નાખવા માંડ્યા.

કોઠીમાં કાંકરા જેમ જેમ પડતા ગયા. તેમ તેમ કોઠીનું પાણી ઊંચે આવતું ગયું. પાણી છેક કાંઠા સુધી ઉપર આવ્યું ત્યાં સુધી કાંકરા નાંખ્યા.

કાગડાએ ચાંચ બોળી ધરાઈને પાણી પીધું. પેટ ભરીને પાણી પી ખુશ થતો પોતાના મુકામ તરફ ઊડી ગયો.

જ્યાં ચતુરાઈ અને મહેનત બન્ને સાથે હોય ત્યાં ગમે તેટલું અઘરું કામ પણ અઘરું રહેતું નથી.