Republic Day - 2019

06 January 2019

હાથી અને દરજી


 એક હાથી હતો. જાણે મોટો કાળો પહાડ. પાછળ ટૂંકી પૂછ ને આગળ લાંબી મોટી લટકતી સૂંઢ.

એ સાધુ મહારાજનો હાથી હતો. સાધુ મહારાજને હાથી ખૂબ વહાલો હતો. હાથી દરરોજ તળાવે નહાવા જાય. રસ્તામાં એક દરજી આવે. હાથી દરજીની દુકાનમાં સૂંઢ લંબાવે. દરજી એની સૂંઢમાં લાડુ આપે. આમ હાથીને રોજ લાડુ ખાવાની ટેવ પડી ગઈ હતી. નહાઈને પાછા વળતી વખતે હાથી દરજીને રોજ કમળનું ફૂલ આપે.

એક દિવસ દરજીને હાથીની મશ્કરી કરવાનું મન થયું. એણે એક મોટી અણીદાર સોય હાથમાં લીધી અને બોલ્યો, હાથીદાદા, આજે તમને લાડુ સાથે સોયનો પણ સ્વાદ ચખાડીશ ! દરજી દુકાનમાં બેઠો હતો. ત્યાં હાથી તેની દુકાન પાસેથી નીકળ્યો.

હાથીએ લાડુ ખાવાની ઈચ્છાથી દરજીની દુકાનમાં સૂંઢ લંબાવી. મશ્કરા દરજીએ લાડુ આપતાં આપતાં સૂંઢમાં સોય પણ ખૂંચવી દીધી. હાથીને સોય વાગતાના સાથે જ ખૂબ પીડા થઈ. તે સમજી ગયો કે આજે દરજીએ મારી ઠેકડી ઊડાવી છે. હાથીએ ચૂપચાપ લાડુ ખાઈ લીધો.

તે ડોલતો ડોલતો તળાવે નહાવા પહોંચી ગયો. તળાવે નહાઈ પોતાની સૂંઢમાં ઘણું બધું પાણી ભરી લીધું. સાથે એક તાજું કમળનું ફૂલ પણ લઈ લીધું.

પાછા ફરતી વેળાએ રોજની માફક દરજીએ કમળનું ફૂલ ધર્યું. જેવો દરજીએ ફૂલ લેવા હાથ આગળ કર્યો કે હાથીએ સૂંઢમાં ભરેલું પાણી ફુવારા માફક દરજી ઉપર ઉડાડ્યું. દરજી પાણીથી ભીંજાઈ લથબથ થઈ ગયો. દુકાનનાં બધાં નવાં નકોર કપડાં પાણીમાં પલળી ગયાં. એને સમજાઈ ગયું કે હાથીને મેં સોય ભોંકી હતી તેથી તેણે પાણી ઉડાડી બદલો લીધો છે. આ તો મેં કરેલી મશ્કરીનું જ પરિણામ છે.

બીજા દિવસથી ફરી પાછો તે હાથીને લાડુ આપવા લાગ્યો અને હાથી એને કમળનું ફૂલ આપવા લાગ્યો. દરજીએ ફરીથી હાથીને કોઈ દિવસ હેરાન કર્યો નહિ.