Grey / Spot-billed Pelican : રૂપેરી પેણ
દેખાવે બધી રીતે
ગુલાબી પેણને મળતી. દૂરથી ઓળખવી અઘરી પડે. ઉડે ત્યારે ઉપરથી જોઈએ તો પાંખના છેડા
કાળાશ પડતા બદામી અને પાછલી ધાર આછી બદામી. નીચેથી જોતાં આખી પાંખ સફેદ. આ નિશાની ઉપરથી
ગુલાબી પેણથી તેને જુદી પાડી શકાય. ચાંચ સીસા જેવી ભૂરી. તેની બંને ધાર પાસે કાળાશ
પડતા થોડા ડાઘા. ચાંચ નીચેની ચામડીની થેલી પીળી, પણ પ્રજનન ઋતુ આવતાં લાલ રંગની થઇ
જાય. જામનગરના દરિયા કિનારે આવી લાલ થેલીવાળી રૂપેરી પેણ જોવા મળી જાય છે. પગ
ભૂરા, આંખ ધોળી કે સહેજ પીળાશ પડતી. દૂરબીનથી જોતાં આંખના રંગ ઉપરથી બંને પેણને
જુદી જુદી ઓળખી શકાય. નર-માદા સરખા. બચ્ચાં ઉપરના ભાગે બદામી રાખોડી અને નીચે
સફેદ.
બંને પેણ આપણા
માટે શિયાળું પંખી. ચોમાસું પૂરું થયે હંગેરીથી મધ્ય એશિયા સુધીના પ્રદેશ તથા
ઈરાક-ઈરાનથી અહીં આવે. શિયાળો ઉતરતાં બંને જતી રહે. ગુલાબી પેણ કવચિત કચ્છના મોટા રણમાં
માળા કરે છે. રૂપેરી પેણ દક્ષિણ અને પૂર્વ ભારતમાં અનુકૂળ સ્થળોએ પ્રજનન કરે છે.
નાનાં જળાશયોમાં
પાણી સુકાતાં તેમનું ક્ષેત્ર સીમિત બને અને એ નાના વિસ્તારમાં માછલીની ગીચતા વધે.
કોઈ અંતઃપ્રેરણાથી આવાં જળાશયો પર પેણ પહોંચી જાય. ઓછી મહેનતે ભરપેટ આહારની આવી
તકનો તે બરાબર લાભ ઉઠાવે. બે ચાર દિવસમાં માછલી સાફ.
માહિતી : લાલસિંહ
રાઓલ