એક નાનું સરખું ગામ હતું.
એક વાર પાદરે ભેંશો વેચાવા આવી.
ગામમાં એક પટેલ રહે. તેની
પાસે કોઈ દૂઝાણું નહિ. એને થયું કે હું એક ભેંશ લઉં. જઈને પટલાણીને કહે -
સાંભળ્યું કે ? આપણે એક ભેંશ લેવી છે. આંગણે ભેંશ હોય તો સારું.
છોકરાં છૈયાંને દૂધ મળે; બાકી મેળવીએ એનું દહીં થાય, ઘી થાય; ને જે સરસ મજાની છાશ થાય તે આડોશી પાડોશીને
અપાય.
પટલાણી કહે - એ બધું ઠીક પણ
આવી જાડી રેડ જેવી છાશ મારે મારા પાડોશીને નથી આપવી. છાશ તો હું મારાં પિયરિયાંને
જ આપીશ.
પટેલ કહે - તે એકલાં તારાં
પિયરિયાં જ સગાં, ને મારાં સગાં તો કાંઈ નહિ, કાં ? એમ છાશ નહિ અપાય.
પટલાણી કહે - નહિ કેમ અપાય ? અપાશે ! ઘર તો મારું ય છે ને ? ને ભેંશ તો મારી યે તે, ને તમારી યે તે. બહુ બહુ તો દૂધ તમારાં સગાંને, પણ છાશ તો મારાં પિયરિયાંને
!
પટેલ કહે - જોયો છે આ
ડંગોરો !
પટલાણી કહે - તમારાં સગાંને
આપો !
આમ કરતાં વાત વધી પડી ને
પટેલ-પટલાણી લડી પડ્યાં !
એક તો બેઉ અજડ – ને એમાં વઢવાડ થઈ. પછી જોઈ લ્યો ! પરોણી લઈને પટેલે પટલાણીને સબોડી નાખ્યાં !
ઘરમાં હો-હો થઈ રહ્યું. આડોશી પાડોશી દોડી આવ્યાં.
બધાં પૂછે - છે શું, પટેલ ? આ શું માંડ્યું છે ?
પટલાણી ફરિયાદ કરતાં કહે -
જુઓ તો બાપુ, આ વાંસામાં સોળ ઊઠ્યા છે તે ! પટેલનો કાંઈ હાથ
છે. મને ઢીબી નાખી !
પટેલ કહે - તે કો’કની જીભ ચાલે, ને કો’કનો હાથ ચાલે !
પાડોશી પૂછે - પણ છે શું ? કજિયો શાનો છે ?
પટલાણી કહે - અમારો કજિયો
તો છાશનો છે. પટેલ કે’છે કે, છાશ તારાં પિયરિયાંને નહિ ! તે નહિ શું કામ ? દૂધ ભલેને એનાં સગાં ખાય; મારાં પિયરિયાં સુધી છાશે નહિ ? એ મારે નહિ ચાલે !
ત્યાં તો પાછા પટેલ ખિજાયા
ને પરોણી લઈને દોડ્યા. પાડોશમાં એક ઠાવકો વાણિયો હતો. તેણે વિચાર્યું : અરે, ભેંશ તો હજી ભાગોળે છે, છાશ છાગોળે આવી નથી ને આ ધમાધમ શાની ?
વાણિયો હતો યુક્તિવાળો.
જઈને કહે - પટેલ, પટેલ ! વઢવાડ તમે પછી કરજો. પહેલાં મારું નૂકશાન
ભરપાઈ કરો. આ તમારી ભેંશે શિંગડું મારીને અમારી વંડી પાડી નાખી – તે ચણાવી આપો ! આમ તમારાં ઢોર રઝળતાં મૂકી દેતાં શરમાતા નથી ?
પટેલ કહે - અરે પણ ! મારી
પાસે ભેંશ વળી ક્યારે હતી તે તમારી વંડી પાડી નાખે ?
વાણિયો કહે - ત્યારે તમે કઈ
ભેંશની છાશ સારું લડો છો ?
પટેલ-પટલાણી શરમાઈ ગયાં ને
છાનાંમાનાં પોતાના કામે લાગી ગયાં.