ડોક્ટરના ગળામાં બે ભૂંગળીવાળું સ્ટેથોસ્કોપ અવશ્ય જોવા મળે. સ્ટેથોસ્કોપ એ ડોક્ટરની ઓળખ છે. બંને ભૂંગળીઓ કાનમાં ખોસી તેના છેડેનો દટ્ટો દર્દીની છાતી પર મૂકીને હૃદયના ધબકારા, નાડીના ધબકારા કે શરીરના આંતરિક અવાજો સાંભળીને તબિયત તપાસવામાં આવે છે. સ્ટેથોસ્કોપનું કામ અને રચના સરળ છે. અવાજનાં મોજાં જે માધ્યમમાંથી વહે તેને ધ્રૂજાવે છે. સાંકડી ભૂંગળીમાં વહેતા અવાજના મોજા સીધા જ કાનમાં પ્રવેશતા હોવાથી તે ગણી શકાય તે રીતે સંભળાય છે.
સ્ટેથોસ્કોપની શોધ ઈ.સ. ૧૮૧૬માં પેરિસના ડોક્ટર ટેનલનેકે કરેલી. તેણે શોધેલું સ્ટેથોસ્કોપ લાકડાની સાદી ભૂંગળીનું બનેલું હતું અને એક જ કાન ઉપર મૂકી ધબકારા સાંભળવના હતા. રબરની બે ભૂંગળીવાળું બનેલું સ્ટેથોસ્કોપ ગોલ્ડિંગ બર્ડ નામના ડોક્ટરે શોધેલું. છેલ્લે ૧૮૫૨માં જ્યોર્જ કેમન નામના વિજ્ઞાનીએ સુવિધાજનક સ્ટેથોસ્કોપ બનાવ્યું અને બજારમાં મૂક્યું. ત્યારબાદ આજે પણ તે જ ડિઝાઇનના સ્ટેથોસ્કોપ વપરાય છે.
૧૯૪૦માં રેપાપોર્ટ અને સ્યુંગ નામના વિજ્ઞાનીઓએ સ્ટેથોસ્કોપના દટ્ટામાં બે સ્થાન અલગ અલગ રાખ્યા. એકથી હૃદયના ધબકારા તો બીજાથી ફેફસાના હલનચલનના અવાજો સંભળાતા.
આધુનિક ઇલેક્ટ્રોનિક સ્ટેથોસ્કોપ પણ બન્યા છે જ્યાં અવાજ મોટો થઈને સંભળાય છે. એટલું જ નહીં પણ દૂર સુધી વાયરલેસ દ્વારા ટ્રાન્સમીટ પણ કરી શકાય છે. અને રેકોર્ડ પણ કરી શકાય છે.
ડોપ્લર સ્ટેથોસ્કોપથી શરીરમાં થતા અલ્ટ્રા સાઉન્ડ અવાજ પણ સાંભળી શકાય છે અને છેલ્લે સ્ટેથોસ્કોપ માત્ર તબિયત માટે જ નહીં પરંતુ મિકેનિક સ્ટેથોસ્કોપ મશીનના આંતરિક અવાજો સાંભળવામાં વેક્યુમ ચેમ્બરમાં લીકેજ તપાસવામાં અને અન્ય અવાજ સંબંધી સંશોધનોમાં વપરાય છે. અવાજ મોટો કરીને સંભળાય તેવા સ્ટેથોસ્કોપને કોનન્ડોસ્કોપ કહે છે.
સૌજન્ય: gujaratsamachar