Republic Day - 2019

06 January 2019

લિમ્ફેડેમા: હાથે-પગે સોજા ચઢાવી દેતી વ્યાધિ



દૈત્યનું નામ છે લિમ્ફેડેમા. આખા વિશ્વમાં આ રોગનો શિકાર થઈ પડયા હોય એવા અભાગિયાઓની સંખ્યા ૧૫ કરોડનો આંકડો પાર કરી ચૂકી છે. એકલા  અમેરિકામાં જ ૨૫ લાખ દરદીઓ લિમ્ફેડેમાથી પીડાય છે. આ રોગમાં બીજું કશું થતું નથી, પણ હાથ કે પગ તેના સામાન્ય કદ કરતા બે, ત્રણ અને કેટલાક કિસ્સામાં તો પાંચ-પાંચ ગણું કદ પ્રાપ્ત કરી લે છે. વાસ્તવમાં દરદીના શરીરના આ અંગોમાં સોજા ચઢી જાય છે, જે દરદીનું જીવન દોહ્યલું બનાવી દે છે.

આપણે લાંબા સમય સુધી એકના એક ઠેકાણે બેસી રહીએ તો પગમાં સોજા ચઢી જાય છે અને આપણા જ બૂટ આપણા પગમાં ફીટ થતાં નથી. આ પ્રકારના સોજા થોડા સમય બાદ ઊતરી જાય છે, પરંતુ એ સમયગાળામાં આપણે ત્રાસી જઈએ એટલી પીડા ભોગવવી પડે છે. તો ખરેખર જે લોકો લિમ્ફેડેમાના રોગી બની ગયા હશેએને કેવી મુશ્કેલી નડતી હશે, એનો જરા વિચાર કરી જુઓ. લસિકા ગ્રંથિનું પ્રવાહી એક જ ઠેકાણે કેન્દ્રિત થાય તો આ રોગ થઈ શકે છે. જીવજંતુઓના ડંખને કારણે ચેપ લાગવાથી ઘણી વખત આ ગ્રંથિમાં કોઈક ઠેકાણે અંતરાય ઊભો થાય છે અને તેને કારણે તેમાંનું પ્રવાહી ગતિશીલ રહી શકતું નથી. એક ઠેકાણે જમા થયેલ પ્રવાહીને કારણે સોજા ચઢી જાય છે. ઘણા બાળકોમાં લસિકા ગ્રંથિ અવિકસીત હોય છે.  આ સ્થિતિ પ્રાથમિક લિમ્ફેડેમાની નિશાની છે, પરંતુ આમાં સોજા નાનપણમાં નથી ચઢતા. પુખ્ત વય પ્રાપ્ત કર્યા બાદ જ સોજા ચઢે છે.

યુનાઈટેડ સ્ટેટ્સ  ઓફ અમેરિકામાં આ રોગ ઘણું ખરું કૅન્સરના રોગની સારવારની આડઅસરને કારણે થાય છે. જે દરદીઓએ સ્તન, પ્રોસ્ટેટ, પ્રજનન અંગ વગેરેના કૅન્સરનો ઈલાજ કરાવ્યો હોય તેમને લિમ્ફેડેમા થવાની શક્યતા વધુ રહે છે. કૅન્સરથી છૂટકારો મેળવવા માટે કરવામાં આવતી સર્જરી દરમિયાન સામાન્ય રીતે રોગગ્રસ્ત અંગ નજીક આવેલ લસિકા નલિકામાંની નાની લસિકાગ્રંથિ પણ કાઢી નાખવામાં આવે છે. કિરણોત્સર્ગની સારવાર લેતી વખતે પણ લસિકા નલિકાને ક્ષતિ પહોંચી શકે છે. આને કારણે લસિકા નલિકા પોતાનામાં જમા થયેલ પ્રવાહીને શરીરના બીજા અંગો સુધી પહોંચાડવામાં નિષ્ફળ નીવડે છે અને તેનો જમાવ થવાથી સોજા ચઢે છે. સ્તન કૅન્સર દૂર કરવા માટે આધુનિક રેડિએશન થેરપીનો આશરો લેનારી મહિલાઓમાંથી પાંચમાં ભાગની સ્ત્રીઓને લિમ્ફેડેમા થયા વગર રહેતો નથી.

લિમ્ફેડેમાનો ભોગ થઈ પડેલાંઓને ફક્ત સોજા જ સતાવતા હોત તો સમસ્યા ઓછી હતી, પરંતુ આ દૈત્ય શરીરમાં પ્રવેશે તો તેની પાછળ અને ચેપી રોગો થવાની કે સ્નાયુઓ ખોટા થઈ જવાની શક્યતા બહુ જ ઉજળી રહે છે. ઘણા દાક્તરો તો એમ કહીને હાથ ધોઈ નાખે છે કે કૅન્સરથી બચવું હોય તો હાથ-પગના સોજા કંઈ બહુ મોટી કિંમત ન કહેવાય. તેઓની સલાહ છે કે, લિમ્ફેડેમાના લક્ષણો શરૃઆતથી જ પકડી પાડવામાં આવે તો ઈલાજ કદાચ શક્ય બને.

મુખ્ય લસિકા ગ્રંથિ બંધ થઈ ગઈ હોય એવા દરદીઓ લાંબા સમય સુધી જો હાથ કે પગ ઊંચી સ્થિતિમાં રાખે તો એ બંને વિસ્તારમાં સોજા ચઢી જ આવે છે. ઘણા વૈદો અને ડૉક્ટરો સોજા ઉતારવા માટે મૂત્રવર્ધક ઔષધો આપે છે. આવી દવા ખાવાથી મૂત્રનું પ્રમાણ વધે છે અને શરીરમાંથી પ્રવાહીનો નિકાલ ફટાફટ થતો હોવાથી સોજા ઊતરી જાય છે, પણ આ સ્થિતિ કામચલાઉ જ રહે છે. થોડા સમય બાદ લિમ્ફેડેમા બેવડાં જોરથી અચૂક ત્રાટકે છે. હકીકતમાં આ જટિલ બીમારીનો કોઈ ઈલાજ જ નથી, પરંતુ તેની તીવ્રતા ઓછામાં ઓછી રાખવાનો પ્રયત્ન જરૃર કરી શકાય. યુરોપ અને ઓસ્ટ્રેલિયામાં લિમ્ફેડેમાની સારી ચિકિત્સા પદ્ધતિ મોજૂદ છે.

નિષ્ણાતોનું કહેવું છે કે, સોજા ચઢી ગયેલાં અંગની  આખી જિંદગી સુધી યોગ્ય સંભાળ રાખવામાં આવે તો રોગ વકરતો નથી. ન્યૂયોર્કની નેન્સી ગોલ્ડ નામની મહિલા તો વીસ વર્ષ સુધી સોજેલા પગની સારસંભાળ લઈને જીવતી રહેલી. એટલું જ નહીં, પાછળથી તેણે એ રોગનો ઈલાજ પણ કરાવેલો. સતત વીસ વર્ષો સુધી રોજ રાત્રે ઈલાસ્ટીકના બેન્ડેજમાં બાંધવો અને સવાર પડતાં જ બેન્ડેજ કાઢીને ખાસ પ્રકારના મોજાં ચઢાવી લેવા એ કંઈ ખાવાના ખેલ નહોતા, છતાં પણ નેન્સીએ હિંમતપૂર્વક અને કંટાળ્યા વગર આ કામગીરી પાર પાડી.
વિશ્વના ઘણા નિષ્ણાતોએ લિમ્ફેડેમાના અનેક ઈલાજો સૂચવ્યા છે, પરંતુ કોઈ કરતા કોઈ સો ટકા કામિયાબ નીવડયા નથી. જોકે, માસુસ્ટીશ ખાતે પ્રેક્ટિસ કરતા ફિઝિયોથેરપીસ્ટ ડૉ.રોબર્ટ લર્નરે આ રોગથી પીડાતા ૬૦૦ કરતાં વધુ દરદીઓનો સાજા કર્યા હોવાનું કહેવાય છે. ડૉ.રોબર્ટની સારવારના ચાર હિસ્સાઓ છે.

(
૧) જામી પડેલ ગ્રંથિને સૂકવી નાખવી-આ પ્રક્રિયામાં મસાજ-માલિશનું પહેલું સ્થાન છે. દરદીની ઉંમર અને રોગની તીવ્રતાને લક્ષમાં લઈને અઠવાડિયાથી માંડીને એક મહિના સુધી નિયમિત રૃપે મસાજ કરવામાં આવે છે. ધડથી શરૃ કરીને રોગગ્રસ્ત અંગ સુધી ક્રમેક્રમે માલિશ કરાય છે. મસાજનો મુખ્ય હેતુ જામી પડેલી ગ્રંથિને પુનઃ ખોલવાનો હોય છે.

(
૨) બેન્ડેજીસ - દરેક મસાજ સેશન બાદ સોજી ગયેલાં અંગને કાળજીપૂર્વક કોટનના મલ્ટીપલ બેન્ડેજમાં બાંધી દેવામાં આવે છે. મસાજ દ્વારા શક્ય હોય એટલું જામી પડેલું પ્રવાહી બીજી દિશામાં ખસેડયા બાદ ફરી તે પૂર્વવત ન બની શકે એ માટે કડક બેન્ડેજ બાંધવામાં આવે છે. બીજા દિવસે ફરી મસાજ કરવાનો હોય ત્યારે જ બેન્ડેજ કાઢવામાં આવે છે. અલબત્ત, દરદીએ આખી રાત બેન્ડેજ બાંધેલ અંગ શરીર કરતાં ઊંચી દિશામાં રાખીને સૂવાનો ત્રાસ ભોગવવો પડે છે.

(
૩) વ્યાયામ - ડૉ.રોબર્ટે લિમ્ફેડેમાના દરદીઓ માટે ખાસ પ્રકારના વ્યાયામ પણ વિકસાવ્યા છે. આ વ્યાયામ બેન્ડેજ બાંધેલી હોય ત્યારે જ કરવામાં આવે છે. આવી અંગ કસરતનો મુખ્ય ઉદ્દેશ લસિકા ગ્રંથિમાં જામી પડેલાં પ્રવાહીને અન્ય અંગ સુધી લઈ જવાનો હોય છે. એને કારણે લસિકા નલિકામાંના પેટા વિભાગો ખૂલવાની પણ શક્યતા હોય છે.

(
૪)  અન્ય - રોગગ્રસ્ત  અંગની ત્વચા અને નખ ચોવીસે કલાક ચોખ્ખા રાખવાનું અનિવાર્ય ગણાય છે. વળી ત્વચા પરનો ભેજ પણ હંમેશા યોગ્ય માત્રામાં જળવાઈ રહેવો જોઈએ. એસિડિક લેનોનિન પ્રકારના ત્વચા લોશન દિવસમાં બે વખત રોગગ્રસ્ત અંગની ચામડી પર ચોપડવા એવી સલાહ દાક્તર બર્નર આપે છે.
એક વખત આ થેરપી પૂરી થાય પછી દરદી જાતે મસાજ કે વ્યાયામ કરી શકે છે અને રાત્રે બેન્ડેજ તથા દિવસે મોજાં પહેરીને રોગને કાબૂમાં રાખી શકે છે.

સૌજન્ય: gujaratsamachar