ઘણાં સમય પહેલાંની એક નાના
ગામની આ વાત છે. એક ધોબી પાસે એક ગધેડો હતો. ધોબી આખો દિવસ એ ગધેડા પાસે સખત કામ
કરાવતો અને રાતના સમયે એને છૂટો મૂકી દેતો. રાત્રે તે ગધેડો અહીં તહીં ચરીને
પોતાનું પેટ ભરતો.
એક રાત્રે એ ગધેડાને એક
શિયાળ મળ્યું. બન્ને વચ્ચે દોસ્તી થઈ ગઈ. શિયાળે ગધેડાને કહ્યું, ‘ચાલ આજે હું તને સરસ મજાની જગ્યા બતાવું. ત્યાં આપણને ધરાઈને ખાવાનું મળશે.’
શિયાળ ગધેડાને એક ખેતર પાસે
લઈ ગયું. જુવારના ખેતરના એક ખૂણે કાકડીના વેલા પથરાયેલા હતા વેલ પર કૂણી કૂણી
કાકડીઓ ઉગી હતી. ખેતરની વાડમાં એક છીંડુ હતું એમાંથી બંને અંદર પેઠા. આવી સરસ તાજી
કાકડીઓ જોઈને ગધેડાના મોઢામાં તો પાણી આવવા લાગ્યું. ગધેડાએ ધરાઈને કાકડી ખાધી.
કાકડી ખાઈને ગધેડો ગેલમાં
આવી ગયો. તેને ગાવાની ઈચ્છા થઈ આવી. તેણે શિયાળને કહ્યું, ‘ભાઈ શિયાળ, આજે કેવી રૂપાળી સરસ મજાની પૂનમની રાત છે, આકાશમાં ચાંદો ય કેવો સુંદર લાગે છે ! આવા મજાના વાતાવરણમાં હું ગાઉં અને તું
સૂર પુરાવ તો કેવું ?’
શિયાળ કહે, ‘અરે ગધેડાભાઈ, હાથે કરીને ઉપાધી શીદને વહોરી લેવી ? આપણે અત્યારે ચોરની જેમ આ ખેતરમાં છાનાંમાનાં પેઠા છીએ. એટલે મૂંગા રહેવામાં જ
મજા છે. તમે ગાશો કે તરતજ રખેવાળ તમારો ઊંચો સૂર સાંભળી જાગી જશે. અને આપણા બાર
વાગી જશે.’
ગધેડો બોલ્યો, ‘મૂર્ખ, તું તો જંગલી જ રહ્યો. સંગીતના રસને તું શું
સમજે ?’
શિયાળે ગધેડાને ન ગાવા માટે
ઘણુંય સમજાવ્યો, પણ ગધેડો તો હઠ લઈને બેઠો હતો. તે કહે, ‘ના હું તો ગાઈશ જ…’
ગધેડો ગાવાનું શરૂ કરે એ
પહેલાં ચતુર શિયાળ બોલ્યું, ‘ગધેડાભાઈ,
તમે ઘડીવાર થોભો. હું પેલા
ઝાંપા પાસે ઊભો રહી રખેવાળનું ધ્યાન રાખું છું. પછી તમે નિરાંતે ગાઓ….’
શિયાળ વાડીની બહાર નીકળી
ગયું. પછી ગધેડાએ ડોક ઊંચી રાખીને મોટે મોટેથી ગાવાનું શરૂ કર્યું, ‘હોં… ચી…. હોં…. ચી…’ એના ભૂંકવાનો અવાજ સાંભળીને ખેતરનો રખેવાળ દોડી
આવ્યો. તેણે પોતાની જાડી ડાંગ વડે ગધેડાને મારી મારીને અધમૂવો કરી નાંખ્યો. પછી
તેના ગળે વજનદાર પથરો બાંધીને તે ચાલ્યો ગયો.
થોડીવાર પછી ગધેડો
મહામહેનતે ઉભો થયો. તે ગળે લટકાવેલ મોટા પથરા સાથે લંગડાતો લંગડાતો ખેતરની બહાર
આવ્યો. શિયાળે પૂછ્યું, ‘ગધેડાભાઈ,
આ શું થયું ?’
ગધેડો હવે શું બોલે ? તેને હવે સમજાઈ ગયું હતું કે તેણે શિયાળની સલાહ માનીને ગાવાનું માંડી વાળ્યું
હોત તો તેની આ દશા ન થઈ હોત.