Republic Day - 2019

05 January 2019

ઉશનસ



 નટવરલાલ કુબેરદાસ પંડ્યા, ‘આરણ્યક’, ‘ઉશનસ્’ (૨૮-૯-૧૯૨૦): કવિ, વિવેચક. જન્મ વડોદરા જિલ્લાના સાવલી ગામે. પ્રાથમિક વિદ્યાભ્યાસ પહેલાં મહેસાણા-સિદ્ધપુરમાં અને પછી સાવલી-ડભોઈમાં. ૧૯૩૮માં મેટ્રિક. ૧૯૪૨માં મ.સ. યુનિવર્સિટીમાંથી મુખ્ય વિષય સંસ્કૃત સાથે બી.એ. ૧૯૪૫માં એ જ યુનિવર્સિટીમાંથી મુખ્ય વિષય ગુજરાતીમાં એમ.એ. ૧૯૪૨-૪૬ દરમિયાન વડોદરાની રોઝરી હાઈસ્કૂલમાં શિક્ષક. ૧૯૪૭થી ૧૯૫૭ સુધી ગાર્ડા કોલેજ, નવસારીમાં તથા ૧૯૫૭થી આર્ટસ કોલેજ, વલસાડમાં અધ્યાપક તથા ૧૯૬૮થી ૧૯૮૦ સુધી આચાર્ય. ૧૯૭૯માં ગુજરાતીનો અધ્યાપક સંઘના પ્રમુખ. ૧૯૭૬માં યુરોપ-કેનેડા-અમેરિકાનો પ્રવાસ. ૧૯૫૯માં કુમારચંદ્રક, ૧૯૭૧માં નર્મદ સુવર્ણચંદ્રક, ૧૯૭૨માં રણજિતરામ સુવર્ણચંદ્રક, ૧૯૭૬માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર.

પાંચમા દાયકાથી આરંભાયેલું ઉશનસનું કાવ્યસર્જન અનુગાંધીયુગ સાથે અનુસંધાન ધરાવે છે. સાથે ગાંધીયુગીન ચિંતન-ભાવનાની કવિતાના લક્ષણો તેમ જ એની ય પૂર્વની બ.ક.ઠાકોરની સમાસઘન પદાવલિવાળી સોનેટકવિતા પણ જોવા મળે છે. મુખ્યત્વે કુટુંબ, વતન, પ્રકૃત્તિ, પ્રણય અને પ્રવાસ તેમના કાવ્યવિષયો છે. મનુષ્યચેતનાનાં ઊંડાણોમાં ઊતરી શકતી, પ્રબળ વેગવાળી સર્ગશક્તિને કારણે ઉશનસે ગુજરાતી ભાષાને ઉત્તમ કવિતા સંપડાવી છે. કવિ ઉપરાંત વિવેચક તરીકે ઉશનસનું નોંધપાત્ર પ્રદાન છે. સર્જન અને અધ્યાપન નિમિત્તે થયેલો સાહિત્યવિચાર એમના વિવેચનોને આગવું બળ આપે છે. તેમની પાસેથી ચરિત્ર, નવલકથા, નાટક પણ મળે છે.

સૌજન્ય : gujaratisahityaparishad