સિતાંશુ યશશ્ચન્દ્ર મહેતા (૧૮-૮-૧૯૪૧): કવિ, નાટકકાર, વિવેચક, સંપાદક. જન્મ
ભુજમાં. માધ્યમિક શિક્ષણ વડોદરા-મુંબઈમાં. મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી
ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ. એ જ વિષયોમાં ૧૯૬૫માં એમ.એ. ૧૯૬૫થી ૧૯૬૮ સુધી
ગુજરાતીના અધ્યાપક. ૧૯૬૮માં ફૂલબ્રાઈટ સ્કૉલરશીપ સાથે અમેરિકા જઈ ૧૯૭૦માં
સૌંદર્યશાસ્ત્ર અને તુલનાત્મક સાહિત્યમાં એમ.એ.ની ઉપાધિ મેળવી. ઑ. ન્યૂટન પી.
સ્ટોલનેસ્ટના માર્ગદર્શન હેઠળ ‘નાટ્યાચાર્ય ભરતની અને ફિલસૂફ કાન્ટની પરંપરામાં
કલાસ્વરૂપનો વિભાવ’ એ વિષય પર
૧૯૭૫માં પીએચ.ડી. ભારત પાછા ફર્યા પૂર્વે એક વર્ષ ફ્રાન્સમાં નિવાસ. ફોર્ડ ફેલોશિપ
હેઠળ ત્યાં આયોનેસ્કોના ‘મેકબેથ’ નાટકને
ગુજરાતીમાં ઉતાર્યું અને શેક્સપિયરના ‘મેકબેથ’ સાથે એનો તુલનાત્મક અભ્યાસ કર્યો. ભારત પાછા
ફર્યા બાદ ૧૯૭૨-૭૭ દરમિયાન મીઠીબાઈ આર્ટસ કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક. ૧૯૭૭માં
સાહિત્ય અકાદમી, દિલ્હી તરફથી
તૈયાર થનારા ‘ભારતીય સાહિત્યનો
જ્ઞાનકોશ’ના મુખ્ય સંપાદક
તરીકે નિમણૂક. ૧૯૭૭માં જ રામપ્રસાદ બક્ષીના માર્ગદર્શન હેઠળ ‘રમણીયતાનો
વાગવિકલ્પ’ વિષય પર મુંબઈ
યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. ૧૯૮૩થી એમ.એસ. યુનિવર્સિટીના ગુજરાતી વિભાગમાં પ્રોફેસર
અને અધ્યક્ષ. ૧૯૮૭નો સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર. હાલ 'ફાર્બસ' ત્રૈમાસિકના
સંપાદક.
આધુનિક કવિઓમાં આ કવિનો અવાજ અગ્રેસર છે. આરંભે કવિએ પોતીકા
કાવ્યવ્યાપાર સાથે સરસિયાલિઝમનો માર્ગ સ્વીકાર્યો અને ‘ઓડિસ્યૂસનું
હલેસું’ જેવો મહત્ત્વનો
કાવ્યસંગ્રહ આપ્યો. તે પછીની તેમની કાવ્યયાત્રા સતત પ્રયોગશીલ અને પરિણામગામી રહી
છે. તેમના નાટકો પણ ગુજરાતી નાટ્યસાહિત્યમાં પોતીકી મુદ્રા કંડારે છે. વિવેચનમાં
તુલનાત્મક સૌંદર્યમીમાંસાના વિષયમાં મૂળભૂત વિભાવોને તલસ્પર્શી રીતે ચર્ચવામાં
આવ્યા છે.
સૌજન્ય : gujaratisahityaparishad
