Republic Day - 2019

05 January 2019

રમેશ પારેખ



 રમેશ મોહનલાલ પારેખ (૨૭-૧૧-૧૯૪૦, ૧૭-૫-૨૦૦૬): કવિ, વાર્તાકાર, બાળસાહિત્યકાર. જન્મ અમરેલીમાં. ૧૯૫૮માં પારેખ અને મહેતા વિદ્યાલય, અમરેલીમાંથી મેટ્રિક. ૧૯૬૦થી જિલ્લા પંચાયત, અમરેલી સાથે સંલગ્ન. આધુનિક સર્જક તરીકેની સર્જનદીક્ષા ૧૯૬૭માં પામ્યા. અનિલ જોશીએ કૃતિના અંકો આપી, એમાં છપાય છે તેવું કશુંક નવું લખવા પ્રેર્યા. એમની સાથે લેખનચર્ચા ચાલી અને આધુનિકતાની સમજણ ઊઘડી. પડકાર ઝીલ્યો અને નવી શૈલીએ લખતા થયા. ૧૯૭૦માં કુમારચંદ્રક. ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક પ્રાપ્ત.

ગુજરાતી કવિતાસાહિત્યમાં આગવી મુદ્રા પ્રગટાવતા સર્જક છે. એમણે ગીત, ગઝલ અને અછાંદસ કાવ્યસવરૂપોને ખેડ્યાં છે. થોડાંક સોનેટ પણ લખ્યાં છે.

ભાવ, ભાષા અને અભિવ્યક્તિમાં નવીનતા, તાજગી અને વૈવિધ્ય એમની કવિતાની લાક્ષણિકતા છે. સોનલને ઉદ્દેશીને લખાયેલા ગીતો તેમ જ મીરાંકાવ્યો ખાસ ધ્યાન ખેંચે છે.

સૌજન્ય : gujaratisahityaparishad