Republic Day - 2019

03 January 2019

ગુણવંતરાય આચાર્ય



 ગુણવંતરાય પોપટભાઈ આચાર્ય (૯-૯-૧૯૦૦, ૨૫-૧૧-૧૯૬૫): નવલકથાકાર, નાટ્યકાર, નવલિકાકાર, નિબંધકાર, પત્રકાર. જન્મ જેતલસરમાં. વતન જામનગર. શાલેય શિક્ષણ કચ્છ-માંડવીમાં. આથી ખલાસીઓ પાસેથી સાગરસાહસની કથાઓના અને પિતા પોલિસખાતામાં હોવાથી મીર, વાઘેરો, બારોટોનાં ટેક, સ્વાર્પણ, જવાંમર્દીની કથાઓના સંસ્કાર પડ્યા. કૉલેજનું શિક્ષણ એક સત્રથી આગળ નહીં. રાણપુરમાં હસનઅલી ખોજાના સૌરાષ્ટ્રમિત્રમાં ૧૯૨૭માં જોડાયા. પછી સૌરાષ્ટ્રના તંત્રીમંડળમાં. ત્યાંથી ફૂલછાબસાપ્તાહિકના તંત્રી તરીકે ગયા. પ્રજાબંધુઅને ગુજરાત સમાચારસાથે પણ સંલગ્ન. ફિલ્મસાપ્તાહિક મોજમજાહના પણ તંત્રી રહેલા. ૧૯૪૫માં રણજિતરામ સુવર્ણચન્દ્રકથી પુરસ્કૃત.

વીસમી સદીના ચોથા અને પાંચમા દાયકામાં વિપુલ સંખ્યામાં રંજનલક્ષી નવલકથાઓ પ્રગટ કરનાર ગુણવંતરાય આચાર્ય વિશેષે કરીને એમની દરિયાલાલનવલકથાને કારણે સ્મરણીય છે. એમની નવલકથાઓમાં વિશાળ જનસમૂહને આકર્ષી રાખનાર કોઈ તત્ત્વ હોય તો તે કથારસ છે. રોમાન્સનો અનુભવ કરાવે તેવી આકર્ષક, કૌતુકપ્રેરક અને ચમત્કારિક ઘટનાઓનું સબળ આલેખન અને પરિસ્થિતિનું નાટ્યાત્મક નિરૂપણ તેમની વિશેષતા છે. તેમણે સાગરકથાઓ, ઐતિહાસિક નવલકથાઓ તેમ જ સામાજિક નવલકથાઓ આપી છે.

સૌજન્ય : gujaratisahityaparishad