કુન્દનિકા નરોત્તમદાસ કાપડિયા/કુન્દનિકા મકરંદ
દવે, ‘સ્નેહધન’ (૧૧-૧-૧૯૨૭):
વાર્તાકાર, નવલકથાકાર.
લીંબડીમાં જન્મ. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ગોધરામાં. ૧૯૪૮માં ભાવનગરથી રાજકારણ અને
ઇતિહાસ વિષયો સાથે બી.એ. ૧૯૫૫થી ૧૯૫૭ સુધી ‘યાત્રિક’ ને ૧૯૬૨થી ૧૯૮૦ સુધી ‘નવનીત’નાં સંપાદક.
૧૯૮૫નો સાહિત્ય અકાદમી, દિલ્હીનો
પુરસ્કાર.
નવલિકા, નવલકથા તેમ જ નિબંધસર્જનમાં આ લેખિકા ભાવનાવાદી અભિગમ ધરાવે
છે. માનવજીવનના શ્યામ-ધવલ પાસાંઓનું નિરૂપણ એમની વાર્તાઓમાં થતું રહ્યું છે. તેમના
નિબંધો પ્રકૃતિ અને માનવ વચ્ચેના સંવાદ-વિસંવાદની આસપાસના વિષયોને આલેખે છે. ‘પરોઢ થતાં પહેલાં’ પહેલી નવલકથાથી
ધ્યાન ખેંચનાર લેખિકાની સૌથી વધુ ચર્ચાયેલી નવલકથા છે, ‘સાત પગલા આકાશમાં’. પોતાની નિજી-આગવી
ઓળખ માટે નારીએ કરવો પડતો સંઘર્ષ, એમાંથી જન્મતી વિદ્રોહની લાગણી અને અંતે સ્ત્રી-પુરુષ સમાન
ભૂમિકાએ હોય એવા નવા વિશ્વની શોધ – એવા વિશાળ ફલક પર નવલકથા આકારાયેલી છે.
સૌજન્ય : gujaratisahityaparishad
