Republic Day - 2019

04 January 2019

મનુભાઈ પંચોળી



 મનુભાઈ રાજારામ પંચોલી, ‘દર્શક’ (૧૫-૧૦-૧૯૧૪, ૨૯-૨-૨૦૦૧): નવલકથાકાર, નાટ્યકાર, નિબંધકાર. જન્મસ્થળ પંચાશિયા (જિ.સુરેન્દ્રનગર). પ્રાથમિક શિક્ષણ તીથવા-લુણસરમાં. માધ્યમિક શિક્ષણ વાંકાનેરમાં. તત્કાલીન રાષ્ટ્રીય આંદોલનથી પ્રેરાઈને અભ્યાસત્યાગ. સ્વાતંત્ર્યલડતમાં સક્રિય અને તેથી જેલવાસ. ૧૯૩૨માં ભાવનગરની દક્ષિણામૂર્તિ સંસ્થામાં ગૃહપતિ તરીકે કારકિર્દીનો આરંભ. ૧૯૩૮થી આંબલામાં ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળામાં અધ્યાપક. ૧૯૪૮માં ભાવનગર રાજ્યના જવાબદાર પ્રજાતંત્રમાં શિક્ષણપ્રધાન. ૧૯૫૩થી સણોસરામાં લોકભારતી ગ્રામવિદ્યાપીઠમાં અધ્યાપક, નિયામક અને મેનેજિંગ ટ્રસ્ટી. ૧૯૬૭થી ૧૯૭૧ સુધી ગુજરાત વિધાનસભાના સભ્ય અને એ દરમિયાન ૧૯૭૦માં ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી. ૧૯૮૦ સુધી રાજ્ય શિક્ષણ સમિતિના સભ્ય. ઇતિહાસ અને સંસ્કૃતિના ચાહક-અભ્યાસી. ભારતીય અને પાશ્ચાત્ય સાહિત્ય, ઇતિહાસ, દર્શન, રાજનીતિ અને ધર્મવિષયક ગ્રંથોનું વાંચનમનન અને પરિશીલન. ટાગોરના સૌંદર્યબોધ અને ગાંધીજીના આચારબોધનો સઘન પ્રભાવ. પ્રકૃતિએ ચિંતક હોવાની સાથે ગ્રામવિકાસલક્ષી જાગૃત કેળવણીકાર. નિર્ભીક પત્રકાર અને પીઢ સમાજસેવક. ૧૯૬૪માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૭૫માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર. ૧૯૮૭માં ઝેર તો પીધાંને ભારતીય જ્ઞાનપીઠનો મૂર્તિદેવી પુરસ્કાર. ૧૯૮૨માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ.

નવલકથા, નાટક અને નિબંધ જેવા સાહિત્યસ્વરૂપોમાં પ્રદાન કરનાર મૂર્ધન્ય સર્જક દર્શકની સર્જકપ્રતિભાનો સર્વોત્તમ આવિષ્કાર એમની નવલકથાઓમાં મળે છે. ઝેર તો પીધાં છે જાણી જાણી’, ‘સોક્રેટિસ’, ‘કુરુક્ષેત્રએમની ઉત્તમ નવલકથાઓ છે. નૈતિક મૂલ્યો પ્રત્યેની શ્રદ્ધાનો બલિષ્ઠ રણકો એમની નવલકથાઓમાંથી ઉપસે છે. એમનું ભાષા સામર્થ્ય અને રસાન્યિત શૈલી નવલકથાઓને આસ્વાદ્ય બનાવે છે. આ ઉપરાંત નાટક, ચરિત્ર, વિવેચન ક્ષેત્રે પણ તેમણે નોંધપાત્ર પ્રદાન કર્યું છે.

સૌજન્ય : gujaratisahityaparishad