નીલ જલમુરઘાનો રંગ ભભકાદાર જાંબલી તે છતાં પણ તેના શરમાળ સ્વભાવ ને કારણે જલદી નજરે ન ચડે. કોઈ નવા નવા પક્ષી પ્રેમી ને તો જલદી દેખાય નહિ, કોઈ જળાશય ની પાસે શાંતિથી બેસી રહો તો થોડી વાર પછી દેખા દે. પણ એકવાર એને જોઈ લો એટલે તેના મનમોહક રંગો તમારું મન ચોક્કસ હરી લે. સાઈઝ માં આપણા દેશી મુરઘા જેટલો. જળાશયોમાંજ જોવા મળે. જળાશયોની આસપાસ ઉગેલા ઘાસ માં ફર્યા કરે. આખો દિવસ ખોરાક શોધવાનું ને ખાવા નું કામ કરે. લાલ ચટ્ટક ચાંચ અને માથામાં અડધે સુધી લાલ ચાંદલો. પગ પણ લાલ રંગના. પાછળ પુછડી નીચે નજરે ચડે તેવો સફેદ ભાગ. પૂંછડી સતત હલાવ્યા કરે. નર-માદા બંને દેખાવ માં સરખા પણ માદા સહેજ નાની. જો હેરાન ના થાય તો તમને શાંતિથી નીરખવા દે, પણ સહેજ ખતરાનો ભાસ થતા જ ભાગી ને છુપાઈ જાય, જરુંર પડે તો થોડું ઉડી પણ લે. છોડનાં કુણા પાંદડા ખાય, અને જીવાતો પણ ખાય. સ્થાનિક પક્ષી. જુન થી સપ્ટેમ્બર તેમનો પ્રજનન કાળ ગણાય, તે વખતે દુરથી પણ તેમની હાજરી તેમના અવાજથી વર્તાય. પાણી થી ત્રણેક ફૂટ ઉપર ઊંચા ઘાસમાં માળા બનાવે. એક વખતમાં ૩ – ૭ ઈંડા મુકે. ઈંડા અને બચ્ચા નું રક્ષણ કરવામાં શુરાતન બતાવે. ગુજરાત માં લગભગ બધે જ જોવા મળે છે, અને આનો ઈલીગલ શિકાર પણ મોટાપાયે થાય છે.
માહિતી : જગદીશ પંડ્યા