Republic Day - 2019

02 January 2019

સિગ્નલની અદ્ભુત કામગીરી



શહેરોના ચાર રસ્તા પર ટ્રાફિક વ્યવસ્થા માટે લાલ, લીલી, પીળી સિગ્નલ લાઇટો તમે જોઈ હશે આ સિગ્નલની કામગીરી ઘણી સરળ છે. ટ્રેક પર દોડતી ટ્રેનને સિગ્નલ આપવાની કામગીરીમાં અદ્ભુત ટેકનોલોજી, કરામતો અને જટિલતા હોય છે. એક જ ટ્રેક ઉપર જુદા જુદા સમયે દોડતી સંખ્યાબંધ ટ્રેનો માટે સિગ્નલ વ્યવસ્થા જરૂરી છે.
જાણીને નવાઈ લાગે પરંતુ રેલવેની શોધ થઈ ત્યારે શરુઆતમાં એન્જિનની આગળ ઘોડેસવારો દોડીને રેલવેનો માર્ગ મોકળો કરતા. એન્જિન ડ્રાઇવરને રસ્તો સલામત છે તે દર્શાવવા સિગ્નલની શોધ થઈ. 
અગાઉ સિગ્નલમાં વીજળીના બલ્બ નહોતા પરંતુ કેરોસીન કે તેલના ફાનસ મુકાતા. સિગ્નલની રચના ઉચ્ચાલન આધારિત છે. સિગ્નલમેન લિવર ખેંચીને સિગ્નલ પાડે ત્યારે તેમાં રહેલો લીલો કાચ ફાનસ સામે આવે. સિગ્નલ પડેલું ન હોય ત્યારે લાલ કાચ ફાનસ સામે હોય છે. હવે મોટા ભાગના સિગ્નલોમાં ઇલેક્ટ્રિક લાઇટ હોય છે. એક જ ટ્રેક ઉપર દોડતી ટ્રેનો અથડાઈ ન પડે તે માટે સામસામેના બંને રેલ્વે સ્ટેશન માસ્તરો સંમત થયા પછી સિગ્નલ અપાય છે.

 
દરેક સિગ્નલમાં તાળા હોય છે અને તેની ચાવી અધિકૃત અધિકારી પાસે હોય છે. રેલવે સ્ટેશન ઉપર એન્જિન પ્રવેશે ત્યારે ડ્રાઇવર ગોળાકાર રીંગ બહાર ફેંકે છે તેમાં રહેલી કોથળીમાં સિગ્નલ પરવાનગી હોય છે. રેલવે ડ્રાઇવર, સ્ટેશન માસ્તર અને સિગ્નલમેન એમ ત્રણેના મેળાપીપણાની આ અદ્ભુત વ્યવસ્થા છે. સિગ્નલ ઉપરાંત ડ્રાઇવરને સંકેત આપવા લાલ- લીલી- ઝંડી કે રાત્રે ફાનસનો ઉપયોગ થાય છે.

લીલી અને લાલ ઝંડી ફરકાવવાના ચોક્કસ સંકેત હોય છે. ડાબે- જમણે કે ઉપર- નીચે ફરકાવીને વિવિધ સૂચના અપાય છે તેની ચોક્કસ ભાષા નક્કી કરેલી છે. બે સ્ટેશન વચ્ચે જોડાયેલ ટેલિગ્રાફિક મશીન અને ફોન માટે અલગ તંત્ર છે. તેનો વીજપ્રવાહ ટ્રેકના પાટામાંથી જ પસાર થાય છે. અલગ વાયરની જરૂર હોતી નથી. મુંબઈ જેવા મોટા રેલવે સ્ટેશન પર સંખ્યાબંધ ગાડીઓની આવ-જા હોય અને સંખ્યાબંધ ટ્રેક હોય છે. આ સ્ટેશનો ઉપર સિગ્નલ વ્યવસ્થા માટે વિશાળ વિભાગ અને કર્મચારીઓ હોય છે હવે આ વ્યવસ્થામાં ઇલેક્ટ્રોનિકસનો ઉપયોગ થાય છે.

સૌજન્ય : gujaratsamachar