Republic Day - 2019

03 January 2019

સ્ટ્રોબોસ્કોપનો શોધક: હેરોલ્ડ યુજીન એજર્ટન



સૂક્ષ્મ ચીજોને મોટી કરીને જોવા માટે માઇક્રોસ્કોપ અને અવકાશમાં નિરીક્ષણ કરવા માટે ટેલિસ્કોપ જાણીતા સાધનો છે. પરંતુ વસ્તુઓનું બારીકાઈથી નિરીક્ષણ કરવા માટે બીજા પણ ઘણાં સાધનો વિકસ્યાં છે. સ્ટ્રોબોસ્કોપ નામનું સાધન ઝડપથી હલનચલન કરતી, દોડતી વસ્તુને સ્થિર કરી બતાવે છે. ઊડી રહેલા પતંગિયા, મચ્છર વગેરેની વિંઝાતી પાંખ પણ  આ સાધનમાં સ્થિર થયેલી દેખાય. સ્ટ્રોબોસ્કોપમાં અનેક કાણાંવાળી ડિસ્ક હોય છે. આ ડિસ્ક ઝડપથી ફરે ત્યારે કાણામાંથી ફરતી વસ્તુ દેખાય તેમ ગોઠવાયેલી હોય છે. ડિસ્ક ફરવાની ઝડપ અને ફરતી વસ્તુની ઝડપ સમાન થાય ત્યારે તે વસ્તુ સ્થિર થયેલી દેખાય છે. આ સાધનની શોધ હેરોલ્ડ યુજીને કરેલી.

હેરોલ્ડ યુજીન એજર્ટનનો જન્મ અમેરિકાના નેબ્રાસ્કા રાજ્યના ફ્રિમોન્ટ ગામે ઇ.સ. ૧૯૦૩ના એપ્રિલની છઠ્ઠી તારીખે થયો હતો. તેના પિતા અગ્રણી વકીલ અને લેખક હતા. નેબ્રાસ્કા યુનિવર્સિટીમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરની ડિગ્રી મેળવી તે માસાચ્યુસેટ્સ ઇન્સ્ટિટયૂટમાં જોડાયો હતો. ઇ.સ. ૧૯૩૧માં ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કરી તેણે ફોટોગ્રાફી ક્ષેત્રમાં સંશોધનો કર્યા હતા. તેણે સ્ટ્રોબોસ્કોપની શોધ કરી નળમાંથી પડતી પાણીની ધારને સ્થિર કરીને ફોટોગ્રાફ લીધો હતો. તેણે મલ્ટી ફ્લેશ સ્ટ્રીટલાઇટ પણ શોધેલી.

સ્ટ્રોબોસ્કોપ વડે બંદૂકમાંથી છૂટેલી ગોળીની સ્થિર તસવીર લઈ શકાતી. તેને અમેરિકાએ કરેલા અણુ ધડાકાની તસ્વીર લેવાનું કામ સોંપાયેલું. ફોટોગ્રાફી ક્ષેત્રે તે 'પાપા ફ્લેશ'ના હુલામણા નામે જાણીતો થયેલો. તેણે મેસેચ્યૂસેટ્સ ઇન્સ્ટિટયૂટમાં પ્રોફેસર તરીકે પણ સેવાઓ આપેલી. ઇ.સ. ૧૯૯૦ના જાન્યુઆરીમાં તેનું અવસાન થયેલું.

સૌજન્ય: gujaratsamachar