ધ્રુવ પ્રદેશમાં બહુ
ઓછા પ્રાણીઓ જોવા મળે છે. પરંતુ જેટલા પ્રાણીઓ છે તે અનેક વિશિષ્ટતા ધરાવે છે.
તેમાંય સફેદ રીંછ જાણીતું છે. ધ્રુવપ્રદેશના સફેદ રીંછ કે
પોલાર બેર માંસાહારી
પ્રાણીઓમાં સૌથી કદાવર છે. અતિશય ઠંડીમાં જીવવા માટે કુદરતે તેના શરીર પર ૧૦
સેન્ટીમીટર જાડું ચરબીનું પડ આપ્યું છે.
પોલાર બેર ઊભું થાય ત્યારે ૧૧ ફૂટ ઊંચુ હોય છે.
તેનું વજન લગભગ ૬૫૦
કિલોગ્રામ હોય છે. ધુવપ્રદેશના ઠંડા દરિયામાં હિમશિલાઓ પર તે રહે છે. હંમેશાં બરફ
પર જીવતાં આ પ્રાણીના પગના તળિયે પણ વાળ હોય છે. આ રીંછ ૨૫ કિલોમીટરની ઝડપે દોડી
શકે છે.
અતિશય ઠંડા વાતાવરણમાં
જીવવા માટે કુદરતે સફેદ રીંછને ઘણી કરામતો આપી છે. શરીરની ગરમી બહાર ન નીકળી જાય
તે માટે તેના કાન નાના અને ગોળાકાર હોય છે. તે ઓછું સાંભળી શકે છે. પણ તેનું નાક
શક્તિશાળી છે. તે માંસ અને માછલીની ગંધ ઘણે દૂરથી પારખી શકે છે.
પોલાર બેર શરીર પર ભરચક
સફેદ વાળ ધરાવે છે. પરંતુ તેની ચામડી કાળી હોય છે. એટલે તે ગરમીનું શોષણ કરે છે.
તેના સુક્ષ્મ વાળ પોલા હોય છે. સૂર્યનો પ્રકાશ તેના પોલા વાળમાં પ્રવેશી તેની ગરમી
તેના શરીરમાં પહોંચે છે.
સૌજન્ય: gujaratsamachar