Whiskered Tern : કાશ્મીરી વાબગલી
ટૂંકા પગ, અણીદાર લાંબી પાંખ અને લાંબા શરીરવાળા આ પંખીઓ પાણી કાંઠે
બેઠાં હોય ત્યારે ખાસ ધ્યાન ખેંચે તેવાં હોતાં નથી. પણ તેમને ઉડતાં જુઓ ત્યારે તેમની સામાન્યતા ઓગળી જાય અને
અસામાન્યતા નીખરી આવે. બહુ ઓછાં પંખીઓની ઉડાન તેમના જેવી મોહક છે. અણીદાર લાંબી
પાંખો, ઓછાં કે વધારે ખાંચાવાળી પૂંછડી અને
પાતળિયા સુરેખ શરીરવાળી, નાનાં મોટા સમુહમાં ઉડતી વાબગલીઓ એક
રમણીય દ્રશ્ય ખડું કરે છે. સફેદ મોટા પતંગિયા ઉડતાં હોય તેવી લાગે. અલસ ગતિએ પાંખો
હલાવતી સામા પવને પાણી ઉપર પાંચ, દસ, પંદર ફૂટ ઊંચે ઉડતી વાબગલીઓની અણીદાર
ચાંચ અને આંખો નીચેની તરફ મંડાયેલી હોય. માછલી તેમનો મુખ્ય ખોરાક. જેવી નીચે દેખાય
કે તરત ઉડાન રોકી લે. ખાતરી કરવા એક સ્થળે હવામાં થોડીવાર સ્થિર ઉડે અને ત્યાંથી
સીધી પાણીમાં ઝંપલાવે. ક્ષણાર્ધ માટે ક્યારેક પાણીમાં આખી અદ્રશ્ય થઈને માછલી સાથે
બહાર નીકળે. પાછી ઉડાન શરૂ.
- "પાણીનાં સંગાથી" માંથી સાભાર