પવિત્રતાનું પ્રતિક કમળ
કમળ કાદવમાં ખીલે છે, છતાં એ કાદવ તેને સ્પર્શી શકતો નથી. કમળની સુંદરતા અને તેની સુગંધ દરેકનું મન મોહનારી છે. કમળની આઠ પાંખડીઓ માણસના જુદા-જુદા ગુણની પ્રતીક છે. કમળ આપણને જીવન જીવવાની રીત શીખવે છે.
આમ તો કમળનું મૂળ વતન વિયેતનામથી અફઘાનિસ્તાન સુધીનું ગણાય છે. આશરે ૧૭૮૭માં સૌ પ્રથમ વાર કમળ પશ્ચિમ યુરોપમાં લઇ જવામાં આવ્યું. દક્ષિણ એશિયા અને ઓસ્ટ્રેલિયામાં તેનું વાવેતર કરવામાં આવ્યું. કમળ ભારત તથા વિયેતનામનું રાષ્ટ્રીય ફૂલ છે.
કમળ પાણીવાળી જગ્યાએ જ ઊગે છે. કહેવાય છે કે પ્રાચીન ઇજિપ્તમાં તો દીવાલ અને સ્થંભ ઉપર પણ કમળનાં ચિત્રો અંકિત થયેલાં છે. તેને ‘પવિત્ર કમળ’ કે ‘વાદળી કમળ’ તરીકે ઓળખવામાં આવે છે. ચીની લોકો પણ કમળને પવિત્રતા અને સૌંદર્યનું પ્રતીક માને છે. તેનો ઉપયોગ ચીનની કવિતામાં પણ થાય છે. કેવી રીતે ખીલે છે? કમળ વહેતા પાણીમાં ક્યારેય ખીલતા નથી. પરંતુ તળાવડીમાં સ્થિર પાણી ને કાદવમાં ઊગે છે. તમને ખબર છે કમળને સાંઠા હોય. આ સાંઠાની દાંડી અંદરથી એકદમ પોલી ભૂંગળી જેવી હોય છે. આ પાતળી દાંડીનો અંદરનો છેડો છેક તળિયાના કાદવમાં હોય. દાંડીના ઉપરના ભાગે બે-ત્રણ પાંદડાં હોય. જાણીને આશ્ચર્ય થાય કે કમળના પાંદડાં પાણીમાં જ રહેવા છતાં કાદવમાં કે પાણીમાં ભીનાં થતા નથી. ચોમાસામાં કમળની દાંડીના ઉપરના છેડે કળી ફૂટે અને તેમાંથી જ કમળનું ફૂલ ખીલી ઊઠે છે. કમળના ફૂલ સફેદ, વાદળી, ગુલાબી રંગના હોય છે. તમે ધ્યાનથી જોશો તો ખબર પડશે કે એના ફૂલમાં આડી, ત્રાંસી અને ઊભી એમ પાંખડીના ત્રણ થર હોય છે. કમળનું ફૂલ ખીલે પછી બે-ત્રણ દિવસ સુધી ખીલેલું રહે છે. રાત્રે તેની પાંખડીઓ બીડાઈ જાય છે અને વળી પાછું ખીલી ઊઠે છે.
અનેક રીતે ઉપયોગી કમળના ફૂલ, બીજ અને કુમળા પાંદડાં પણ ખાવાલાયક છે. એશિયામાં કમળની પાંખડીનો ઉપયોગ સજાવટમાં અને તેનાં પાંદડાનો ઉપયોગ ખાદ્યપદાર્થમાં થાય છે. કોરિયામાં તો કમળના પાંદડાં અને પાંખડીનો ઉપયોગ ચા બનાવવા માટે થાય છે. ચાઈનીઝમાં કમળની સુગંધીદાર ચાને ‘લિઆન્હુઆ ચા’ કહે છે. વિયેતનામમાં પણ ચામાં સુગંધી લાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે.
સાંસ્કૃતિક મહત્વ કમળનું સાંસ્કૃતિક મહત્વ પણ જાણવા જેવું છે. ખીલેલું કમળ પદ્મને પુરાણ શાસ્ત્રોના આરંભ સાથે અને વિષ્ણુ, બ્રહ્ના, લક્ષ્મી અને સરસ્વતીદેવી સાથે જોડવામાં આવે છે. લક્ષ્મીજીનું સ્વરૂપ કમળ વગર ક્યારેય જોવા નહીં મળે. તેથી જ લક્ષ્મીજીને કમળના અનેક નામોથી ઓળખવામાં આવે છે. જેમકે, ‘પદ્મા’ (કમલા), ‘પદ્મપ્રિયા’ (કમળ જેને પ્રિય છે તે), ‘પદ્મમુખી’ (કમળ જેવા મુખવાળી), ‘પદ્મસ્થા’ (કમળ ધારણ કરનારી) વગેરે જેવા અનેક નામમાં સૌંદર્યનું પ્રતીક કમળ છે. પ્રાચીનકાળથી કમળ હિન્દુ પરંપરાનું ભવ્ય ચહિ્ન રહ્યું છે. કમળની પાંખડીઓનું ખૂલવું આત્માના દ્વાર ઊઘડવા સાથે સરખાવાય છે. તેનું કાદવમાં ખીલવું એક અનોખું આધ્યાત્મિક ઉદાહરણ પૂરું પાડે છે. બ્રહ્ના અને લક્ષ્મી જેવા સમૃદ્ધિના દેવનો સંબંધ કમળ સાથે છે. કમળની આઠ પાંખડીઓ માનવીના જુદા-જુદા ગુણ દર્શાવે છે. પવિત્રતા, શાંતિ, દયા, મંગળ, નિ:સ્પૃહતા, સરળતા, ઇર્ષ્યાનો અભાવ અને ઉદારતા. જો આપણે આ દરેક ગુણ અપનાવી લઈએ તો આપણે પણ ભગવાનને કમળના ફૂલની જેમ પ્રિય બની જઈએ.
https://www.divyabhaskar.co.in/news/MAG-bal-bhaskar-lotus-symbolizes-purity-3104157.html