દેખાવ માં નાનું પણ એકદમ કારીગર અને મહેનતી પક્ષી , તેને આવું નામ તેના માળા બનાવવાની પદ્ધતિ પરથી પડ્યું છે. તે ઝાડના પાંદડાં ને એક બીજા સાથે દરજીની જેમ સીવીને પોતાનો માળો બનાવે છે, તે પહેલાં તેની અણીદાર અને આગળ થઈ થોડી વળેલી ચાંચથી પાંદડામાં કાણા પાડે છે, અને પછી તેને વેલા તથા ઝાડના રેસા, જીવાતના રેસા, કરોળિયાના જાળા, તથા આપણા દ્વારા ફેંકાયેલા દોરા વડે એનો માળો બનાવે છે કહો કે સીવે છે. કલાત્મક માળો ગૂંથવાની આવડતને કારણે તે દરજીડો કહેવાય છે.
દરજીડો સામાન્ય રીતે બાવળ ની ઝાડી, ઝાખરા, મકાનની પછીતની ખુલ્લી જગ્યામાં સહેલાઈથી જોવા મળે. અવાજ દ્વારા ઓળખવો વધુ સહેલું છે. માથા પર લાલાશ, લીલો અને રાખોડી વાન તેને ઝાડીઓમાં ઓઝલ કરી નાખે, તેને જોવા માટે ધીરજ, ઉત્સાહ અને તિક્ષણ નજર જરૂરી છે.
ચકલી જેવડા આકારના દરજીડા પક્ષીની ખાસિયત તેનો માળો છે. દેખાવમાં સાવ નાનકડું લાગતું આ પક્ષી ખૂબ જ સ્ફુર્તિવાળું હોય છે. દિવસ દરમિયાન તે સતત ઊડાઊડ કરે છે. તેનો અવાજ પણ કર્ણપ્રિય છે.