Republic Day - 2019

07 September 2018

Moorhen

Moorhen : જલ મુરઘી 

આપણું રહેવાસી પંખી ખરું, પણ પાણીની અનુકૂળતા મુજબ સ્થાનિક મુસાફરી કરે. શિયાળામાં મધ્ય એશિયા અને પશ્ચિમના દેશોમાંથી જલ મુરઘી ભારત આવે ત્યારે તેમની સંખ્યા વધે. તે વખતે નાનાં મોટા જળાશયોમાં થોડી ઝાઝી દેખાય.
પાણીમાંથી ઉડતી વખતે પાંખો ફફડાવતી થોડે સુધી પાણી ઉપર દોડે અને પછી હવામાં ઊંચકાય. તેના કુળના ઘણાં ખરાં પંખીઓની માફક ઉડતી વખતે પગ લબડતા રાખે. ભય લાગે ત્યારે ઉડીને ભાગી જવાને બદલે પાણીમાંની વનસ્પતિમાં સંતાઈ જાય. ડૂબકી મારવામાં પણ હોંશિયાર. મોટેભાગે પાણી કાંઠાની ગીચ વનસ્પતિમાં ચરતી રહે. તેના અન્ય કુટુંબીઓની માફક ટૂંકી પૂંછડી અવાર નવાર આંચકાભેર ઊંચીનીચી કર્યા કરે.
ચોમાસું તે તેની પ્રજનન ઋતુ. પાણીમાં ઊગેલી વનસ્પતિમાં તે જ વનસ્પતિનો ઉપયોગ કરીને તરતા માળા બનાવે.
પાણીની વનસ્પતિ, તેના બીજ, કુંપળો,પાણીનાં જીવડાં, તેમની ઇયળો, વગેરે તેનો ખોરાક. નર-માદા સરખાં.
જલમુરઘીને દેખાવડું પંખી કહી શકાય. ઉપરના ભાગે કથ્થાઈ, કાળાશ પડતો અને સ્લેટિયો રંગ. પેટાળમાં ઘેરું રાખોડી. પડખામાં સફેદ આડો પટ્ટો, ચાંચ લાલ પણ અણી તરફ પીળી. ચાંચથી કપાળ સુધીની માંસપેશી લાલ. પગ લીલા. પૂંછડી નીચેથી સફેદ અને તેની વચમાં કાળો પટ્ટો. પ્રજનન બાદ તેના રંગ ઝાંખાં.
- "પાણીના સંગાથી"માંથી સાભાર.