પતરંગો – Little Green bee-eater
નામ પ્રમાણે જ
ગુણ, પાંદડા જેવો જ રંગ, ચકલી ની સાઈઝ નું આ પક્ષી છે પતરંગો. ચળકતો લીલો રંગ અને ગળું સહેજ ફિરોજી રંગનું, માથું સહેજ બ્રાઉન, અને અણીદાર પૂંછડી. આમતેમ
ઉડ્યા જ કરતુ હોય, એક જગ્યાએ બેસે, પછી ઉડીને હવામાંથી કોઈ જીવડું પકડ્યું કે નાં પકડ્યું પાછું એ જ
જગ્યા એ આવીને બેસે. વળી પાછું ઉડે અને પાછું
બેસે. તેને આમ હવામાંજ ખોરાક પકડવા ની ક્રિયા કરતા જોતા રહેવાનુંજ મન થાય. ઘણું વ્યાપક પક્ષી, શહેરી વિસ્તારમાંથી થોડાજ બહાર નીકળો કે વાડમાં,
ખેતરોમાં જોવા
મળીજ જાય. ટર્રર્ર ટર્રર્ર એવો અવાજ
કરે. નર-માદા
દેખાવે સરખા લાગે.
મોટેભાગે જીવડાને
ઉડતા જ પકડે. નાની ઉડતી જીવાતો તેનો
મુખ્ય ખોરાક. શિયાળામાં ઘણી વખત સવારે વહેલા ઘણા બધા ૫-૬ કે એથી વધારે ૨૦-૨૫ પતરંગા ને વાયર ઉપર કે ઝાડની ડાળી
માં ઊંઘતા નિહાળેલા છે. આંખો બંધ જ
હોય બધાની અને એકદમ ચપોચપ અડીને જ બેઠા હોય. જ્યારે એ સમયે બીજા બધા પક્ષીઓ ની સવાર પડી ચુકી હોય અને
તેમની મોર્નિંગ એક્ટીવીટી માં કાર્યરત થઇ
ગયા હોય. પક્ષીઓ માં પતરંગા કદાચ સૂર્યવંશી હશે!
આખા ગુજરાત માં
જોવા મળે. આમતો સ્થાનિક પક્ષી છે અને સમગ્ર વર્ષ દરમ્યાન જોવા મળે પણ ઘણા પક્ષીવિદો નાં મતે તે લોકલ માઈગ્રેશન કરે
છે.
ફેબ્રુઆરી થી મે
તેમની બ્રીડીંગ સીઝન ગણાય. પતરંગા કોલોની માં માળા બનાવે – એટલે સમૂહ માં ઘણા બધા પતરંગા એક જગ્યા પસંદ કરી માળા
બનાવે. કોઈ ભેખડ કે પર્વત ની ઉભી દીવાલ માં
લગભગ દોઢ થી બે ઈંચ વ્યાસ નો ટનલ જેવો એક થી મંડી ૬ ફૂટ નો ખાડો ખોદી માળા બનાવે. એક વાર માં ચાર થી સાત ઈંડા
મુકે. નર-માદા બંને સાથે મળી માળો ખોદે અને બચ્ચાનું પોષણ કરે.
સાભાર : જગદીશ પંડ્યા