અજોડ પક્ષી બેલડી સારસ :
પોતાના પ્રેમભાવ અને સાદગીભરી સુંદરતા માટે જાણીતું પક્ષી સારસ હંમેશાં જોડીમાં જ જોવા મળે છે. વિશ્વમાં સૌથી વધુ સારસ પક્ષી ભારતમાં જોવા મળે છે. ભારતમાં સારસની સંખ્યા ૮,૦૦૦થી ૧૦,૦૦૦ જેટલી છે. સારસને ક્રૌંચના નામે પણ ઓળખવામાં આવે છે.
સારસની લંબાઈ લગભગ ૧૭૬ સેન્ટિમીટર હોય છે અને તેનું વજન ૭.૩ કિલોગ્રામ હોય છે. તેની પાંખોનો ફેલાવો ૨૫૦ સેન્ટિમીટર જેટલો થાય છે.
સારસ ભેજવાળી જગ્યાઓ તથા તળાવ, નદી અને ખેતરોમાં વધારે રહે છે.
તે કંદમૂળ, અનાજના દાણા તથા ફળનાં બી ખાવાનું પસંદ કરે છે. ક્યારેક ક્યારેક તે નાની જીવાતો પણ ખાઈ લે છે.
સારસ નર તથા માદા દેખાવમાં એક જ જેવાં લાગે છે. માદા સારસનું શરીર થોડું પાતળું હોવાથી તે અલગ પડે છે.
સારસ પક્ષી પોતાના જીવનમાં એક જ વાર જીવનસાથી પસંદ કરે છે અને જો એક સારસનું મૃત્યુ થાય તો બીજું સારસ પક્ષી પણ મરી જાય છે એ તેની ખાસિયત છે.
માદા સારસ એક વારમાં ૨-૩ ઈંડાં મૂકે છે. ઈંડાંમાંથી બચ્ચાં બહાર આવતાં ઓછામાં ઓછા ૨૫ દિવસનો સમય લાગતો હોય છે. નર અને માદા બંને મળીને તેમની પાંખોની ગરમી વડે ઈંડાંને સેવે છે.
સારસનાં બચ્ચાં આછાં ગુલાબી રંગનાં અને ઘણાં બધાં પીંછાંથી ઢંકાયેલાં હોય છે. આ પીંછાં એક વર્ષમાં સફેદ થઈ જાય છે.
આખા વિશ્વમાં સારસની ૮ પ્રજાતિ મળી આવે છે. તેમાંથી ૪ ભારતમાં જોવા મળે છે.