ભારતનું રાષ્ટ્રીય પક્ષી : મોર
મોર |
ઢેલ |
મોર એક જાણીતું અને
માનવવસ્તીની નજીક રહેતું પક્ષી છે, જે ખાસ કરીને નર મોર ની
રંગીન પીંછા વાળી પૂંછડી માટે જાણીતું છે. વર્ષા ઋતુમાં જ્યારે વાદળો ગડગડાટ કરતાં
હોય અને વરસાદ પડવાની તૈયારી હોય ત્યારે નર મોર પીંછા ફેલાવે છે અને નૃત્ય કરતો
હોય તેમ ધીરે ધીરે ગોળ ફરતા જઇ પોતાનાં ફેલાવેલાં પીછાંને ઝડપથી ધ્રુજાવે છે, જેને "કળા કરી" કહેવાય છે. આનો હેતુ ઢેલ (માદા
મોર) ને આકર્ષવાનો છે.
શારિરીક બાંધો
મોરની શારિરીક દેહરચના
અત્યંત આકર્ષક હોય છે. મોરના પીછા અને તેનો રંગ આ આકર્ષક દેખાવનું મૂળ છે. મોર
માથાથી પેટ સુધી ચમકદાર જાંબલી રંગનો હોય છે જ્યારે ઢેલ ઘાટા કથ્થાઈ રંગની હોય છે.
મોરની પુંછડી આશરે ૧ થી ૧.૫ મીટર લાંબી હોય છે જે રંગબેરંગી પીંછાથી લદાયેલ હોય
છે. મોરનું વજન ૪ થી ૬ કિલોની આસપાસ હોય છે જ્યારે ઢેલનું વજન ૩ થી ૪ કિલોની આસપાસ
હોય છે.મોર તેમજ ઢેલનાં માથે પીંછાની કલગી હોય છે. મોર તેના ભરાવદાર શરીર રચના ને
કારણે હંમેશા પોતાના પગ પર આધાર રાખે છે. ભયગ્રસ્ત પરિસ્થિતિ મા પણ તે ઝડપથી દોડ
લગાવે છે. મોર ઉડવાનુ ઓછું પસંદ કરે છે કરે છે કારણ કે તેનું શરીર ભરાવદાર હોય છે
તેથી તેને ઉડવામાં મુશ્કેલી પડે છે.માટે તે ખૂબ જ ઓછુ ઉડી શકે છે.
ખોરાક
મોર તેના ખોરાકની શોધ
વહેલી સવાર તેમજ સંધ્યાકાળ (સુર્યાસ્ત થતાં પહેલાં)સુધી કરે છે. બપોર નો સમય
મહ્દઅંશે કોઇ ઘટાદાર વૃક્ષની ડાળી પર આરામ ફરમાવતા પસાર કરે છે. ખોરાક માટે મોર
ચાર પાંચની સંખ્યાના નાના ટોળામાં વન વગડા તેમજ ખેતર માં ફરીને અનાજ નાં દાણા, જીવડાં અને નાના સરિસૃપ આરોગે છે.
ધાર્મિક મહત્વ
મોર હિંદુ ધર્મમાં એક
અનેરું સ્થાન ધરાવે છે. ભગવાન શ્રી કૃષ્ણ તેમના મુગટમાં બાળપણથી જ કાયમ મોરનું
પીંછું ધરતા હતા તેમજ સરસ્વતી માતા પણ મોરપીંછ ધારણ કરે છે. ભગવાન શિવના પુત્ર
કાર્તિકેયનું વાહન મોર હોવાનું પણ હિંદુ ધાર્મિક ગ્રંથોમાં લખેલું છે. એક રીતે
જોઇએ તો હિંદુ ધર્મનાં કોઇપણ દેવી દેવતાનાં ચિત્રમાં મોર સુશોભન માટે એક અલાયદું
સ્થાન ધરાવે છે. વર્તમાન સમયમાં પણ અનેક મંદિરોમાં ભગવાનને આરતી સમયે મોરનાં
પીંછાંથી બનેલ પંખાથી પવન વીઝવામાં આવે છે.