Greater Coucal : કૂકડિયો કુંભાર
કૂકડિયો
કુંભાર આપણી જાણીતી અને માનીતી એવી કોયલના કુળનું પક્ષી છે.
કૂકડિયો કુંભાર મુખ્યત્વે
વનવગડા, ખેતરો, વાડીઓ અને ગૌચર વિસ્તારોમાં જોવા મળે છે ને તેને આવા
વિસ્તારોમાં વસવાનું ખાસ પસંદ છે. તે ક્યારેક ઘરના વરંડા – વાડામાં પણ જોવા મળી આવે છે. શહેરી વિસ્તારમાં પણ જ્યાંથી
ખેતર-વાડીઓ નજીક હોય તેવા વિસ્તારોમાં તે અચૂક દેખા દે છે.
કૂકડિયો કુંભાર દેખાવમાં
કોયલને થોડોક મળતો આવે છે, પરંતું રંગમાં અને કદમાં
તે કોયલથી જુદો તરી આવે છે. કદમાં તે કોયલથી સહેજ મોટો હોય છે અને તેના શરીરનો રંગ
ઘેરો કથ્થાઇ હોય છે. તેની પાંખો ઇંટ જેવા રાતા રંગની અને આંખો કંકું જેવા રાતા
રંગની હોય છે. તેની ડોક ઉપરનાં પીંછાં ચમકદાર રંગછટા ધરાવે છે આથી તેના પર
સૂર્યપ્રકાશ પડતાં તે જુદા જુદા રંગોની(ખાસ કરીને ચળકતા વાદળી અને જાંબલી રંગોની)
આભા સર્જે છે. તેની ચાંચ તથા પગ કાળા રંગનાં હોય છે. તેની ચાંચ કાગડાની ચાંચ કરતાં
નાની અને ટૂંકી હોવા છતાં મજબૂત અને કઠોર હોય છે. તેને શરીરના પ્રમાણમાં સહેજ
લાંબી અને ભરાવદાર પૂંછડી હોય છે.
કૂકડિયો કુંભાર પોતાના
ખોરાકમાં નાનાં જીવડાં, અળસિયાં, ગરોળીઓ અને નાના કાકીડા(કાચંડા) જેવા જીવોનો ઉપયોગ કરે છે.
આ ઉપરાંત તે તીડ, ઉંદર, નાનાં અને નબળાં પક્ષીઓનાં ઇંડાં તેમજ બચ્ચાં વગેરેનો પણ
છૂટથી ઉપયોગ કરે છે. આથી જ તે આવા જીવોની શોધમાં જાળાં-ઝાંખરાં, વાડી-ખેતર તથા બાગ-બગીચાની વાડો(કંપાઉંડ વોલ રૂપે કાંટાળી
ડાળખીઓ કે ઝાંખરાં ગોઠવીને કરવામાં આવેલી એક જાતની દિવાલ) ફંફોસતો નજરે પડે છે.
કૂકડિયા
કુંભારની માદા એપ્રિલથી સપ્ટેમ્બર માસ વચ્ચેના સમયગાળા દરમિયાન ઇંડાં મૂકે છે.
ઇંડાં મૂકવા માટે નરમાદા બંને સાથે મળીને ગોળ વાટકા જેવો સરસ મજાનો માળો તૈયાર કરે
છે. માળો બનાવવાના સ્થળ માટે તેઓ ખેતર-વાડીઓ અને બાગ-બગીચાની વાડ અથવા
જાળાં-ઝાંખરાંની પસંદગી કરે છે. કુંભાર માદા સફેદ રંગનાં ત્રણથી ચાર ઇંડાં મૂકે
છે. ઇંડાં સેવવામાં અને બચ્ચાંનો ઉછેર કરવામાં નરમાદા બંને સાથે
રહે છે અને એકબીજાને પૂરતો સહકાર આપે છે.
જમીન પર ચાલવામાં તે જબરો
કુશળ છે. ચાલવાની બાબતમાં તે ખરેખર ધરતીનાં જ હોય તેવાં પક્ષીઓ સાથે પણ હરિફાઇ કરી
શકે એટલી કુશળતાથી ચાલે છે. વળી ઝડપભેર ચાલવામાં કે દોડવામાં પણ તે ભારે સ્ફૂર્તિ
દાખવે છે.
માહિતી: પ્રકાશચન્દ્ર
કા. સોલંકી