દૈયડ
દૈયડ(અંગ્રેજી-Magpie Robin) એ સોંગબર્ડ કુળનું એક પક્ષી છે જે પહેલા થ્રશ
વર્ગમાં ગણવામાં આવતું હતું, પણ હવે તે માખીમાર
વર્ગમાં ગણવામાં આવે છે. આ એક અનોખું કાળું-ધોળુ પક્ષી છે જેની પૂંછડી મોટેભાગે
ઉંચી રાખે છે. આ પક્ષી લગભગ આખા ભારતીય ઉપમહાદ્વિપમાં જોવા મળે છે.
દૈયડ એ બાંગ્લાદેશનું
રાષ્ટ્રીય પક્ષી છે.
આકારમાં તે એકદમ યુરોપિયન
રોબીન જેવી જ હોય છે પણ દૈયડની પૂંછડી થોડી લાંબી હોય છે. તેની લંબાઈ લગભગ ૧૮-૨૦
સે.મી. જેટલી હોય છે. નરનો ઉપરનો ભાગ, ગળું અને માથું કાળું હોય
છે. તેના ખભાના ભાગે સફેદ પટ્ટી હોય છે. માદા રાખોડી કાળી હોય છે. તે મોટેભાગે
બગીચાઓમાં અને ખુલ્લા જંગલોમાં જોવા મળે છે.દૈયડ મોટેભાગે ઉષ્ણકટિબંધીય દક્ષિણ
એશિયામાં જોવા મળે છે. તે બાંગ્લાદેશ, લગભગ સંપુર્ણ ભારત, પુર્વીય પાકિસ્તાન, પુર્વીય ઇન્ડોનેશિયા, થાઇલેન્ડ અને શ્રીલંકામાં જોવા મળે છે. ઓસ્ટ્રેલિયામાં
તેમને કૃત્રીમ રીતે વસાવવામાં આવ્યા છે.તેઓ મોટેભાગે નાના જીવજંતુઓ પર નિર્ભર રહે
છે. આ ઉપરાંત તેઓ ખુબ નાના ફળો અને અનાજના દાણાથી પણ કામ ચલાવી લે છે. જયારે તેઓ
બચ્ચાઓને ખોરાક આપે છે ત્યારે મુખ્યત્વે જીવાંત અને ઈયળો આરોગે છે. ઉડતા-ઉડતા જ
હવામાં જીવાંત પકડવામાં તે ખુબ જ કુશળ હોય છે.તેઓનો સંવનનકાળ મુખ્યત્વે માર્ચથી
જુલાઈ સુધીનો હોય છે. સંવનન સમયે નર પોતાના પીંછા અને શરીર ફુલાવી માદાને આકર્ષિત
કરે છે. તેઓ માળો બનાવવા માટે ઝાડના પોલાણો,
દીવાલ કે મકાનના
ગોખલા અને પોલાણો પસંદ કરે છે. આ ઉપરાંત, માણસો દ્વારા કૃત્રીમ
રીતે બનાવેલ "નેસ્ટ બોક્ષ"નો ઉપયોગ પણ કરે છે.