Indian silverbill
or white-throated munia : ટપૂસિયું
વ્યાપક હોવા છતાં નાના કદને લીધે અને ઝાંખા
રંગોને લીધે ટપૂસિયું ઝટ નજરે ચડતું નથી. દેખાવે સાદું. કંઠમાં મીઠાશ
નહીં.ચીપ..ચીપ ..ચીપ એવી સીસોટી જેવી ધીમી
તેની બોલી. પાંચ-દસનાં નાનાં નાનાં જૂથમાં જમીન ઉપરથી વનસ્પતિના દાણા વીણતાં ફરે.
આસપાસની ભોંય સાથે એવાં ભળી જાય કે જલદી દેખાય નહીં, એવો તેનો રંગ. સ્વભાવે શરમાળ
નહિ. નજીક જાવ એટલે પાસેના ઝાડ પર જઈને બેસે. જેવા તમે થોડા દૂર જાવ કે તરત પાછાં
જમીન ઉપર ઉતરી આવે અને ચણવાનું શરૂ કરે. આછી કાંટ અને ખેતર પાદરમાં તેનો વસવાટ.
મુખ્યત્વે કણભક્ષી, પણ બચ્ચાંને જીવાત ખવડાવે. ઉપરથી ધૂળિયો બદામી અને નીચે મેલો
ધોળો એ તેનો રંગ. પાંખો અને અણીદાર પૂંછડી કાળાશ પડતાં બદામી. ઢીંઢું અને ગળું
સફેદ.પેટાળ ધોળાશ પડતું. ચાંચ ટૂંકી, જાડી અને રાખોડી. પગ આછા બદામી. નર માદા
સરખાં.
માહિતી સાભાર : લાલસિંહ રાઓલ