કોલસા, પેન્સિલની અણી, ચૂનો, ચોક, આરસ, ઠંડા પીણામાં ઉમેરાતો વાયુ. અને કરોડોની કિંમતના હીરા આ બધું કાર્બનનું બનેલું છે. આપણા શરીરમાં પણ કાર્બન હોય છે.
દરેક પ્રાણી અને વનસ્પતિના બંધારણમાં કાર્બનનો મોટો હિસ્સો છે. પૃથ્વીના પેટાળમાં જાત જાતના ખનીજો છે. અને આસપાસ અનેક વાયુઓ છે. દરેક સ્થળે કાર્બન તત્વ કોઈને કોઈ સ્વરૂપે હોય છે.
આપણી આસપાસ ઘણી વસ્તુઓ બનાવવામાં કાર્બન વપરાયેલું હોય છે. મૂળભૂત કાર્બન પૃથ્વીના પેટાળમાં રહેલાં ખડક છે.
વિજ્ઞાાનીઓએ પૃથ્વી પરના પદાર્થો, રસાયણો અને વાયુઓના અભ્યાસ કરીને જુદી જુદી ઓળખ આપી છે. દરેક પદાર્થને અણુબંધારણ હોય છે. અને દરેકના વિશેષ ગુણધર્મ છે.
પરંતુ કાર્બન એવું દ્રવ્ય છે કે તેના બંધારણમાં મોલેકયૂલની સૌથી લાંબી શ્રેણી છે. એટલે તેનો વ્યાપક ઉપયોગ થઈ શકે છે. તે અન્ય પદાર્થો સાથે સહેલાઈથી ભળીને નવું દ્રવ્ય બને છે. કેલ્શીયમ સાથે ભળે તો કાર્બોનેટ અને હાઈડ્રોજન સાથે ભળે તો હાઈડ્રોકાર્બન ગેસ, પેટ્રોલ, રબર, વગેરે હાઈડ્રોકાર્બન છે.
પૃથ્વી પર નાશ પામતા પ્રાણીઓ અને વનસ્પતિના અવશેષો જમીનમાં દબાઈને કાળક્રમે ખડક બને છે. ખૂબ જ ઊંચા દબાણ અને તાપમાને કોલસો પૃથ્વીના પેટાળમાં હીરો બની જાય છે પરંતુ તે મૂળભૂત કાર્બન જ છે.
હીરો કાર્બનનું સૌથી સખત સ્વરૂપ છે. અને ચોક સૌથી નરમ. સજીવના શરીરમાં કોષોના બંધારણનો મુખ્ય આધાર કાર્બન છે. શરીરમાં શક્તિ સ્વરૂપે રહેલા ગ્લુકોઝ કાર્બન, હાઈડ્રોજન અને ઓક્સિજનનું સંયોજન છે. માનવશરીરમાં ૧૮ ટકા કાર્બન હોય છે.
સૌજન્ય : gujaratsamachar