શકરો આપણા ત્યાં જોવા મળતા શિકારી પક્ષીઓમાં સર્વ સામાન્ય પક્ષી છે, સાઈઝ તેની કબુતર જેટલી. ઉપર નો ભાગ સહેજ વાદળી ઝાંય વાળો રાખોડી, અને ગળાથી લઇને નીચેનો ભાગ સફેદ અને બદામી રંગની આડી પટ્ટીઓ વાળો. શિકારી પક્ષીઓમાં જોવા મળે તેમ શકરામાં પણ ઉમર પ્રમાણે રંગરૂપમાં ફેરફાર થાય. બચ્ચું થોડું મોટું થાય અને ઉડતા શીખે ત્યારે તેનો ઉપરનો રંગ બદામી અને થોડો બ્રાઉન જોવા મળે. પરિપક્વ થયા પછી પણ નર-માદા દેખાવે સરખા લાગે પણ તેમની ઓળખ તેમની આંખોના રંગ થી થાય. માદાની આંખો પીળાશ પડતી હોય અને નરની આંખો લાલાશ પડતી હોય. “ચી..ચીવ...ચી... ચીવ “ એવો અવાજ કરે.
શકરો શહેરી વિસ્તાર, ગામડા કે જંગલોમાં પણ જોવા મળી જાય. પણ ગામડામાં વગડા માં વધારે જોવા મળે. ઘટાદાર ઝાડની અંદર બેસીને ચુપચાપ બેસી રહે અને જેવું કોઈ શિકાર દેખાય કે તરતજ ઝપટ મારીને પકડી લે અને કોઈ ઉંચી જગ્યાએ બેસીને ખાય. તેનો મુખ્ય ખોરાક ગરોળી, કાચીંડા, દેડકા, ઉંદર અને અન્ય નાના પ્રાણીઓ. ક્યારેક કોઈ પક્ષીનાં માળા પર હુમલો કરી ઈંડા કે નાના બચ્ચાનો પણ શિકાર કરે. બુલબુલ, ચકલી, લેલા, કબુતર જેવા પક્ષીઓનો પણ શિકાર કરે. આકાશમાં ઉંચે ઉડીને ચક્કર મારવાનો પણ શોખીન, પણ અન્ય સમયે બહુ ઉંચેનાં ઉડે. એ જયારે ઉડતો હોય ત્યારે અવાજ વગર ઉડે અને ખુલ્લા ભાગમાંથી ઝાડની ગીચ ડાળીઓની વચ્ચે થઈને આરપાર નીકળી જાય ત્યારે તમારા મુખમાંથી “વાહ !” નીકળી જ જાય.
શકરાની બ્રીડીંગ સીઝન માર્ચથી જુન સુધીની ગણાય. ઘટાદાર ઝાડમાં ઊંચાઈ પર માળો બનાવે. એકવારમાં ૩-૪ ઈંડા મુકે. નર-માદા બંને માળો બનાવે અને બચ્ચાનું પોષણ કરે પણ ઈંડા સેવવાનું કાર્ય માદા જ કરે.
માહિતી સાભાર :Jagdish Pandya