ભૂંકપના સમાચાર તમે તેને કેન્દ્રનું સ્થાન કોઈ શહેરની ઉત્તરે અમુક અંશ અને પૂર્વ કે પશ્ચિમે અમુક અંશ એવા શબ્દો વાંચ્યા હશે.
પૃથ્વી પર કે દરિયામાં સ્થાન દર્શાવવા માટે અક્ષાંશ અને રેખાંશનાં આંક ઉપયોગમાં લેવાય છે. આ અક્ષાંશ અને રેખાંશ શું છે તે જાણો છો ?
પૃથ્વી સંતરા જેવી ગોળ છે. ભૌગોલિક સ્થાનની ચોકસાઈ માટે પૃથ્વીના ગોળા પર આડી અને ઊભી રેખાની કલ્પના કરવામાં આવી છે. આડી રેખાને અક્ષાંશ અને ઊભી રેખાને રેખાંશ કહે છે. ઉત્તરધ્રુવ અને દક્ષિણ ધ્રુવની બરાબર વચ્ચે વિષુવવૃત્તની રેખા છે.
આ રેખા ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધોને સરખા ભાગે વહેંચે છે. વિષુવવૃત્તને શૂન્ય ગણીને ઉત્તર અને દક્ષિણ તરફ ૧૧૧ કિલોમીટરના અંતરે સમાંતર રેખાંયો છે. દક્ષિણ અને ઉત્તર ગોળાર્ધમાં ૯૦-૯૦ અક્ષાંશ છે. અક્ષાંશ એટલે વિષુવવૃત્તથી અંતર.
હવે પૃથ્વીના ઉત્તર અને દક્ષિણ ધ્રુવને જોડતી રેખાઓ છે. આ રેખા સમાંતર નથી પરંતુ એક એક અંશને ખૂણે દોરેલી છે. તેને રેખાંશ કહે છે. રેખાશ ૩૬૦ છે અને તેની મુખ્ય રેખા ગ્રિનિચ પાસેથી પસાર થાય છે. રેખાંશ એ ગ્રીનીય રેખાથી સ્થળનું અંતર દર્શાવે છે. કોઈ પણ સ્થળ ગ્રીનીચથી પૂર્વ કે પશ્ચિમમાં કેટલું દૂર છે તે જાણી શકાય છે.
સૌજન્ય : gujaratsamachar