Republic Day - 2019

02 August 2018

ડેલીયોમાં ડાયરો થાતો નથી

ગામ ગાથા

ડેલીયોમાં ડાયરો થાતો નથી,
એટલે હું ગામડે જાતો નથી

રાહડાં ગીતો ને છંદો ગુમ થયાં,
રસ ભરી વાતો નથી ને રાતો નથી
ગામડા ને શહેર ભરખી ગયું,
ગોંદરે જણ એકેય દેખાતો નથી

આમ્રવન બદલાઈ ગયું છે ફલેટમાં,
કોકિલા નો સાદ સંભળાતો નથી
રાયડાના ફૂલ પીળાં કયાં ગયાં?
ખાખરા નો રંગ પણ રાતો નથી

ખેતરો છે શુષ્ક જળ તળમાં ગયું,
મોલ મબલખ કયાંય લહેરાતો નથી
ભીંત સામે ભીંત છે બસ ભીંત છે,
વાયરો ખડકીમાં થઈ વાતો નથી

ઓઢી હું છત ની રજાઈ પોઢતો,
જેમાં તારા ચાંદની ભાતો નથી
નૈણ નીચાં ઢાળી કાઢી ઘૂમટો,
પાણી એ ચહેરો હવે પાતો નથી

શબ્દ નું સંતૂર ના સંતાડ તું,
સાજ વિણ નરપત ગઝલ ગાતો નથી
                                 -નરપત વૈતાલિક