દીપડો-
એ બિલાડી કુળનું ગુજરાતમાં મળી આવતું અનોખું પ્રાણી છે. તે પ્રાકૃત્તિક સંજોગો પ્રમાણે
અનુકૂલન ઝડપથી સાધી લેતાં પ્રાણીઓ પૈકીનો એક હોવાથી રાજ્યમાં તેની વસતી સતત વધી રહી છે. દીપડો અમદાવાદ જિલ્લાને છોડીને સમગ્ર રાજ્યના તમામ
જિલ્લાઓમાં જોવા મળે છે. સોનેરી રંગના શરીર ઉપર કાળા
રંગના ટપકાંનાં ઝુમખા દીપડાને પ્રાણીસૃષ્ટીના સૌથી આકર્ષક પ્રાણી પૈકીનો એક બનાવે છે. દીપડાનું આયુષ્ય 20 વર્ષ સુધીનું હોય છે. તે નિશાચર પ્રાણી
છે અને રાત્રે જ શિકાર કરે છે. તેના ભક્ષ્યમાં હરણ, વાંદરા, કૂતરા, મોર, ઘેંટા અને બકરાંનો સમાવેશ થાય છે. તેની શિકાર કરવાની આદતોને લીધે આ માંસભક્ષી
અને માનવો વચ્ચે ઘર્ષણ થવાના કિસ્સા અવારનવાર બનતાં
રહે છે. દીપડો વૃક્ષ ઉપર પણ આસાનીથી ચઢી શકે છે. ઘણી વખત તે શિકારને લઇ તે વૃક્ષ ઉપર ચઢી જાય છે. ગામડાના હદવિસ્તારમાં કૂતરાઓના ભસવાનો
અવાજ અને જંગલમાં વાંદરાઓની હૂપાહૂપ આ માંસભક્ષીની હાજરીની ચાડી ખાય છે. માતા દીપડી એક વખતની વિયાણ (પ્રસૂતિ)માં 2થી 4 બચ્ચાંને જન્મ આપે છે. તેનો પ્રસૂતિકાળ 84થી90 દિવસ હોય છે.
ગુજરાતમાં દીપડાની
વસતી સતત વધતી રહી છે. હાલમાં ગુજરાતમાં "1070” (2006ની વસતી ગણતરી)થી વધુ દીપડાની વસતી છે.